નવસારી: ક્રિકેટ ફક્ત પુરૂષો રમી શકેની માન્યતાને મહિલાઓ તોડી રહી છે. ભારતના નાના શહેરોમાં પણ છોકરીઓ ક્રિકેટ કોચિંગ મેળવીને ક્રિકેટ જગતમાં કાઠુ કાઢી રહી છે. હાલમાં જ ભારતની મહિલા ક્રિકેટ ટીમે વિશ્વ કપ સુધી પહોંચીને પોતાની ક્ષમતાનો પરચો આપી દીધો છે. ત્યારે નવસારીના જલાલપોરની પૂજા નરેન્દ્ર પટેલે વિરોધી વાતાવરણ વચ્ચે ભાઈ અને પરિવારના સમર્થનમાં ક્રિકેટમાં ઓલ રાઉન્ડર ખેલાડી તરીકે રાષ્ટ્રીય સ્તરે પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો છે.
મહિલા રણજી ટ્રોફી રમનારી પૂજા પટેલ બની નવસારીની પ્રથમ મહિલા ક્રિકેટર નવસારીની પૂજા પટેલને નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે લગાવ હતો. જેથી પોતાના ફળિયામાં છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. પૂજાની ક્રિકેટ પ્રત્યેની લગન અને ક્ષમતાને તેના ભાઈ પરેશે પારખી અને પૂજા ધોરણ 6 માં હતી ત્યારે તેને નવસારીનું છાપરા ક્રિકેટ ગ્રાઉન્ડ બતાવ્યુ હતુ. પૂજા છોકરાઓ સાથે ક્રિકેટ રમતી, ત્યારે છોકરાઓ દ્વારા તેમજ સમાજમાં તેની હાંસી ઉડાવવામાં આવી અને " છોકરાઓ સાથે રમવામાં શરમ નથી આવતી " નો ટોણો પણ મારવામાં આવતો. પરંતુ પૂજાએ લોકોની વાતોને ધ્યાને ન લઈ અને શરમ છોડીને ક્રિકેટ પ્રત્યેના પોતાના પેશનને જકડી રાખી ક્રિકેટ રમતી રહી.
મહિલા રણજી ટ્રોફી રમનારી પૂજા પટેલ બની નવસારીની પ્રથમ મહિલા ક્રિકેટર પૂજાને પ્રથમ ક્રિકેટ કીટ તેની દાદીએ ભેટ આપી પ્રોત્સાહિત કરી હતી. બાદમાં ક્રિકેટમાં આગળ વધવાની પૂજાની ઈચ્છાને માતા-પિતાએ સમર્થન આપી, તેને વડોદરા ખાતે 8 મહિના ક્રિકેટ તાલીમ અર્થે મોકલી હતી. ત્યારબાદ બે વર્ષથી પૂજાએ નવસારીમાં ક્રિકેટ કોચ કાંતી પટેલ પાસેથી પ્રશિક્ષણ મેળવી રાષ્ટ્રીય સ્તરે અરૂણાચલ પ્રદેશની મહિલા ક્રિકેટ ટીમમાં ઓલ રાઉન્ડર ખેલાડી તરીકે પોતાની ખેલ પ્રતિભા દાખવી છે. લોકો શુ કહેશેની ચિંતા કર્યા વગર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ સાથે જ પૂજાએ ક્રિકેટ પ્રત્યે પોતાનું ડેડીકેશન દાખવી આજે નવસારી જિલ્લામાંથી રાષ્ટ્રીય સ્તરે પ્રથમ મહિલા ક્રિકેટરની નામના મેળવી છે. અરૂણાચલ પ્રદેશમાં પસંદગી કેમ્પમાં પહોંચેલી પૂજાએ ઓલ રાઉન્ડર તરીકે પોતાને સાબિત કરી ટીમમાં સ્થાન મેળવ્યુ હતુ.
ગત દિવસોમાં નોર્થ ઇસ્ટના રાજ્યો વચ્ચે રમાયેલી વુમન્સ સિનિયર વન ડે ટ્રોફી એટલે મહિલા રણજી ટ્રોફીમાં અરૂણાચલ પ્રદેશની મહિલા ટીમ માટે પૂજા નરેન્દ્ર પટેલ 5 મેચો રમી હતી. પૂજાએ તમામ મેચોમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને બોલિંગમાં બેથી ત્રણ મેડેન ઓવર નાંખવા સાથે જ રન પણ ઓછા આપ્યા હતા. જ્યારે બેટિંગમાં સેકન્ડ ડાઉન રહીને સારો સ્કોર કરવાનો પ્રયાસ કર્યો હતો. પૂજા રાષ્ટ્રીય સ્તરે રમવા સાથે જ ભારતની મહિલા ક્રિકેટ ટીમમાં શામેલ થઈ ભારત માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવાનું સપનું સેવી રહી છે અને જેના માટે પૂજાએ તૈયારીઓ પણ આરંભી દીધી છે. નવસારીમાં ક્રિકેટ એકેડમીઓ શરૂ થઈ છે અને મહિલા ક્રિકેટ એસોસિએશન પણ અસ્તિત્વમાં આવ્યું છે, પરંતુ જ્યારે છોકરીઓ માટે ક્રિકેટ દૂરની વાત હતી, ત્યારે પૂજાએ ક્રિકેટને જ પોતાના જીવનનું લક્ષ્ય બનાવી, આજે રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે અને રાષ્ટ્રીય સ્તરે રમનારી નવસારીની પ્રથમ મહિલા ક્રિકેટર બની છે.