નવસારી : સામાજિક જવાબદારીઓમાં ઘેરાયેલા માતા-પિતા પોતાના સપનાઓને પાંખો આપી શકતા નથી, ત્યારે પોતાના સંતાનો તેમના સપનાઓ જીવે એવી આશા પણ સેવતા હોય છે. આવું જ કંઈ નવસારીમાં જોવા મળ્યુ છે, બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી માતાના સપનાને પૂર્ણ કરવા 21 વર્ષીય પુજા દેસાઈએ કોસ્મેટિક મેકઅપમાં નિપુણતા મેળવ્યા બાદ ગત વર્ષે 8 કલાકમાં 55 યુવતીઓને મેકઅપ કરી, ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાને નામે કર્યો છે.
વર્ષોથી બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે જોડાયેલી પોતાની માતાથી પ્રેરિત થઈ કોસ્મેટિક મેક ઓવરમાં ડીગ્રી મેળવનારી પુજા યશવંત દેસાઈએ રાષ્ટ્રીય કક્ષાએ મેકઅપને લગતી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને પ્રમાણપત્રો મેળવ્યા હતા. જો કે, માતાનું અધુરૂ સપનું સાકાર કરવા અને પોતાનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ મુકવાની આશા સાથે પુજાએ ગત વર્ષે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલા 8 કલાકમાં 32 યુવતીઓને કોસ્મેટિક મેકઅપનો રેકોર્ડ તોડવાનો પ્રયાસ કર્યો હતો.