- PI ને બદલીના બે જ કલાક બાદ સસ્પેન્ડ કરાયા
- અગાઉ એક PSI સહિત ત્રણ પોલીસ કર્મીઓને પણ કરાયા છે સસ્પેન્ડ
- બુધવારે પોલીસ મથકમાં બે શકમંદ આરોપીઓએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી
નવસારી : જિલ્લાના ચીખલી પોલીસ મથક (chikhali police station) માં ગત બુધવારે વહેલી સવારે બે શકમંદ આરોપીઓની આત્મહત્યા પ્રકરણમાં ચીખલીના PSI સહિત ત્રણ પોલીસ કર્મીઓને ગત રોજ સસ્પેન્ડ કર્યા બાદ શુક્રવારે સવારે જિલ્લા પોલીસ અધિક્ષકે (District Superintendent of Police) ચીખલી PI ની લિવ રિઝવમાં બદલી કર્યાના બે કલાકમાં જ તાત્કાલિક અસરથી સસ્પેન્ડના આદેશ કર્યા છે. ઉલ્લેખનિય છે કે, પોલીસ મથકમાં આદિવાસી યુવકોની આત્મહત્યાના મુદ્દે આદિવાસી સંગઠનોએ જવાબદાર પોલીસ કર્મીઓ સામે તપાસની માંગણી કરી હતી.
બે કલાકમાં પોલીસ અધિક્ષકે નિર્ણય બદલાતા પોલીસ બેડામાં હડકંપ
નવસારીના ચીખલી પોલીસ ગત સોમવારે વઘાઈથી રવિ જાધવને ચોરીના ગુનામાં શંકાના આધારે અટકમાં લીધો હતો. પરંતુ પોલીસે એની નોંધ ચીખલી પોલીસ મથકના ચોપડે થઈ ન હતી. જે બાદ મંગળવારે રવિની મદદથી વઘઇના જ ઢોલીપાડા ખાતે રહેતા સુનિલને એ જ્યાં કામ કરતો હતો, ત્યાંથી ઉઠાવ્યો હતો. રવિ બાદ સુનિલને પણ ઉઠાવ્યા બાદ પણ ચીખલી પોલીસના ચોપડે પોલીસે કોઈ નોંધ કરી ન હતી. દરમિયાન બન્નેને ચીખલી પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં બુધવારે વહેલી સવારે 5 થી 8 વાગ્યા દરમિયાન રવિ અને સુનિલ બંનેએ એક જ વાયરને પંખા સાથે બાંધી, તેના બંને છેડાને પોતપોતાના ગળે બાંધી ફાંસો લગાવી આત્મહત્યા (suicide) કરી લીધી હતી.