નવસારી:નવસારી (Illegal biodiesel Navsari) LCBની ટીમ બુધવારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે મળેલી બાતમીના આધારે બીલીમોરાના આંતલિયા GIDCમાં (Biodiesel Seized in Antalya GIDC) આવેલી બીલીમોરાના મણીલાલ પટેલની બ્લોક નં. 98/1 વાળી જગ્યા ચીખલીના સમરોલી ગામે રહેતા પારસરામ કુંભારે ભાડે રાખી GP થ્રીનર કેમિકલનું વેચાણ કરતો હતો પરંતુ પારસરામ થ્રીનરની આડમાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેચાણ કરે છે અને એક બોલેરો ટેમ્પોમાં બાયો ડીઝલનો જથ્થો આવેલો છે. જેને આધારે પોલીસે ગણદેવી પુરવઠા વિભાગના અધિકારીઓને સાથે રાખી દરોડા પાડ્યા હતા. ઘટના સ્થળેથી 49 પ્લાસ્ટિકની ટાંકીઓ તથા પ્લાસ્ટિકના બેરલોમાં ભરેલો બાયો ડીઝલનો જથ્થો પકડી પાડ્યો હતો.
પોલીસે 27.47 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે
LCB પોલીસ અને પુરવઠા અધિકારીઓએ પારસરાસના પતરાના શેડમાં મુકેલા પ્લાસ્ટિકની ટાંકીઓ અને બેરલમાં ભરેલા બાયોડીઝલના જથ્થાની માપણી કરતા 18.84 લાખ રૂપિયાનું 25,125 લીટર બાયો ડીઝલ મળી આવ્યું હતું. સાથે જ ઘટના સ્થળેથી 5 લાખ રૂપિયાનો બોલેરો ટેમ્પો, 1 લાખ રૂપિયાનો અતુલ શકિત થ્રી- વ્હીલ ટેમ્પો, 10 હજાર રૂપિયાનું જનરેટર, 1.16 લાખ રૂપિયાનું GP થ્રીનર, 50 હજાર રૂપિયાનો પંપ, 25 હજાર રૂપિયાના ત્રણ મોબાઇલ ફોન સહિત 27.47 લાખ રૂપિયાનો ઉદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે જ પારસરામ કુંભાર તેમજ તેને ત્યાં કામ કરતો સમરોલી ગામે જ રહેતો મલય પટેલ અને થ્રી- વ્હીલ ટેમ્પોનો ચાલક અને સેલવાસ, સામરવાડી ખાતે રહેતા મયુર ઠક્કરની ધરપકડ કરી હતી. સમગ્ર મુદ્દે બીલીમોરા પોલીસ મથકે ફરિયાદ નોંધી, બાયો ડીઝલનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા તેમજ કોને કોને વેચતા હતા તેની તપાસ આરંભી છે.