નવસારી : ONGC કંપની દ્વારા મહારાષ્ટ્રથી પાઇપ લાઈન મારફતે ગેસ સુરતના હજીરા સ્થિત કંપનીના પ્લાન્ટમાં પહોંચાડવામાં આવે છે, જેના વાલ્વ સ્ટેશનો નવસારીના જલાલપોર તાલુકાના દરિયા કિનારાના ઉભરાટ અને દાંતી ગામે બનાવવામાં આવ્યા છે. જેની સુરક્ષા માટે અર્ધ સૈનિક દળના જવાનો 24 કલાક રહેતા હોય છે.
નવસારીના દાંતી ગામે ONGC વાલ્વ સ્ટેશનમાં પીન હોલ ગેસ લીકેજથી દોડધામ
સુરતના હજીરા સ્થિત ONGC કંપનીમાં ગુરૂવારે વહેલી સવારે પ્રચંડ ધડાકા બાદ લાગેલી આગને કારણે તંત્ર દોડતું થયું હતું. કંપનીમાં લાગેલી આગને પગલે નવસારીના દરિયા કાંઠાના ઉભરાટ અને દાંતી ગામે આવેલા કંપનીના વાલ્વ સ્ટેશનોએ પણ સતર્કતા રાખવામાં આવી હતી. સાંજના સમયે દાંતી ગામે આવેલા વાલ્વ સ્ટેશનમાં પીન હોલ ગેસ લીકેજ થતા કંપનીના અધિકારીઓ દોડતા થયા હતા. ઘટનાની જાણ થતા જ જિલ્લા પોલીસ તેમજ તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જોકે લીકેજ બંધ કરાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ગુરૂવારે વહેલી સવારે સુરતના હજીરા સ્થિત ONGC કંપનીના પ્લાન્ટમાં પ્રચંડ ધડાકા બાદ આગ ભભૂકી ઉઠી હતી. જેને લઇને તંત્ર દોડતું થયું હતું અને આગ ઓલવવા માટે પ્રયાસો કર્યા હતા. બીજી તરફ ગુરૂવારે સાંજે દાંતી ગામે ONGCના વાલ્વ સ્ટેશનમાં પીન હોલ ગેસ લીકેજ (બ્લાસ્ટ) થતા દોડધામ મચી હતી. કંપનીની ટેકનીકલ ટીમને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા.આ સાથે જ ઘટનાને પગલે મરોલી પોલીસ સહિત જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ટીમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો સાથે જ નવસારી, બીલીમોરા અને સુરતથી ફાયર બ્રિગેડના ત્રણ ફાયર ફાઈટરોને તેમજ આરોગ્ય વિભાગની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા નવસારી પ્રાંત અધિકારી અને ડીઝાસ્ટર મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વાલ્વ સ્ટેશનની સ્થિતિ જાણી હતી. દરમિયાન ONGCની ટેકનીકલ ટીમ દ્વારા લીકેજને રીપેર કરી લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. જયારે ONGCની ટીમે ઘટનાને રૂટીન ગણાવી ચિંતા ન કરવાની વાત કરી હતી.