નવસારીઃ શહેરની નગર પાલિકાએ શહેરીજનોને શુદ્ધ અને મીઠું પાણી આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે શહેરને પાંચ ઝોનમાં વેહચીને પાણીની નવી પાઇપ લાઈન નાખવાની યોજના બનાવી છે. પરંતુ શહેરના વોર્ડ નં-6માં આવેલા દરગાહ રોડના ઘણાં વિસ્તારો તેમજ વોર્ડ નં-10 ના કડીયાવાડ સહિતનાં વિસ્તારોમાં છેલ્લા થોડાં વર્ષોથી ઓછા દબાણે અને દૂષિત પાણી આવતું હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે.
નવસારીમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પાણી આવવા સમયે તેમાં ઈયળ જેવી જીવાતો પણ પાણીમાં તરતી જોવા મળે છે અને પાણી અત્યંત દુર્ગંધ મારતું હોવાથી સ્થાનિકો શરૂઆતમાં અડધોથી પોણો કલાક સુધી પાણી એમ જ વહેડાવવા મજબૂર બન્યા છે. સાથે જ સ્થાનિકોએ પીવા માટે અને રસોઈ બનાવવા માટે પાણી વેંચાતું લેવું પડે છે. જેને લઈને ગૃહિણીઓમાં પાલિકા સામે આક્રોશ જોવા મળી રહ્યો હતો. સ્થાનિકો દ્વારા પાલિકામાં વારંવારની ફરિયાદો બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સાથે જ સ્થાનિક નગર સેવકો પણ ચૂંટણી બાદ ફરકતા પણ ન હોવાના આક્ષેપો સાથે આ વખતે પાણી સમસ્યાનું સમાધાન ન કરે ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવાની તૈયારી પણ બતાવી છે.
નવસારીના દરગાહ રોડ બાદ શહેરના વોર્ડ નં-11માં આવેલા દશેરા ટેકરી વિસ્તારમાં પણ જીવાત અને દુર્ગંધવાળુ પાણી આવતા લોકોએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. સમગ્ર મુદ્દે વોર્ડ નં-10ના વિપક્ષી સભ્ય પિયુષ ઢીમ્મરે તેમના વિસ્તારમાં 12 વર્ષોથી સમસ્યા હોવાનું અને ગત થોડા વર્ષોમાં સમસ્યા વધી હોવાનુ કબૂલ્યુ હતું. પરંતુ પાલિકાની બેદરકારીને કારણે આજ દિન સુધી સમસ્યાનું સમાધાન થયું નથી.
જ્યારે કોરોનાને લઇ સરકાર સાફ પાણીથી હાથ ધોવા પર ભાર મૂકી રહી છે, ત્યારે આ વિસ્તારમાં આવતું પાણી એટલું દૂષિત છે કે, પીવા માટે તો દૂર પણ ઉપયોગમાં પણ નથી લઇ શકાતું. જ્યારે સામે પક્ષે પાલિકાએ નવી પાણીની પાઇપ લાઈન નાંખી દીધી હોવાની વાતો સાથે જ લોકોએ સમસ્યાના સમાધાન માટે પાણી કનેક્શન ટ્રાન્સફર કરાવવાનો રાગ આલાપ્યો હતો. જ્યારે દશેરા ટેકરીમાં ડ્રેનેજ લાઈન પાણીની પાઇપ લાઈનમાં ભળતી હોવાનો સ્વીકાર કરી સત્વરે સમારકામ શરૂ કરાવવાની તૈયારી દર્શાવી હતી.
ઉનાળો શરૂ થયો છે અને શહેરમાં પાણીની મોકાણ શરૂ થઈ છે અને આમ પણ પાલિકા લાંબા સમયથી શહેરીજનોને એક જ સમયે પાણી આપે છે, જેમાં પણ એકથી દોઢ કલાક આવતા પણઇમાં કેટલાક વિસ્તારોમાં અડધા સમય દૂષિત પાણી આવતું હોવાથી લોકોની પાણી સમસ્યા વિકટ બને એવી સંભાવના સેવાઈ રહી છે. સાથે જ પાણી મુદ્દે નાગરિકો પાલિકા સામે મોર્ચો માંડીને ઉગ્ર આંદોલન કરે તો પણ નવાઈ નહીં.