નવસારીઃ નવસારીના પાંચમાં કોરોના યોદ્ધા રશ્મિ પટેલે કોરોનાને હરાવ્યો છે. ચીખલી તાલુકાના ટાંકલ ગામની 29 વર્ષીય સગર્ભા રશ્મિ પટેલનો કોરોના રીપોર્ટ ગત 29 એપ્રિલના રોજ પોઝિટિવ આવતા તેને નવસારીની કોવિડ-19 સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ગત 1 મેના રોજ તેને પ્રસુતિની પીડા ઉપડતા સિઝેરીયન દ્વારા ડીલીવરી કરાવવામાં આવી હતી અને રશ્મિએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.
નવસારીમાં કોરોનાને પાંચમા યોદ્ધાએ હરાવ્યો, ટાંકલની પ્રસુતા રશ્મિ પટેલને અપાઈ રજા
નવસારી ધીરે ધીરે કોરોના મુક્ત થવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેમાં આજે ચીખલીનાં ટાંકલની પ્રસુતા મહિલાને તેના તંદુરસ્ત બાળક સાથે કોવિડ-19 સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. માતા અને બાળક સ્વસ્થ અવસ્થામાં ઘરે જતા હોસ્પિટલ સ્ટાફે તાલીઓ પાડી તેમને વધાવ્યા હતા. સાથે જ પ્રસુતાના પરિવારજનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
જન્મ બાદ બાળકનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે નેગેટિવ આવતા હોસ્પિટલ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. બાદમાં રશ્મિનો અઠવાડિયા બાદ બીજો અને ત્રીજો બંને કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા, ત્યારબાદ રશ્મિ અને તેના બાળકની તબિયત સ્વસ્થ જણાતા આજે ગુરુવારે સાંજે કોરોના યોદ્ધા રશ્મિ પટેલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સગર્ભા હોવા છતાં અને પ્રસુતી બાદ મક્કમતાથી કોરોનાને હાર આપનારી રશ્મિ પટેલને સિવિલના ડોકટરો અને સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે વધાવી હતી. આ સાથે જ નર્સો દ્વારા નવજાતને ઝુલાવવા માટે ઘોડિયુ ભેટ આપ્યું હતું. જ્યારે રશ્મિના પરિવારજનોએ ડોકટરો સહિત સ્ટાફનો આભાર વ્યક્ત કરી માં અને દિકરાને ઘરે લઇ જવાની ખુશી વ્યક્ત કરી હતી.