નવસારી : કોરોના વાઈરસનાં દર્દીઓ ધીરે ધીરે ગુજરાતમાં વધી રહ્યાં છે. જે જિલ્લાઓમાં આજ સુધી પૉઝિટિવ દર્દીઓ ન હતા, ત્યાંથી પણ પૉઝિટિવ દર્દીઓ મળ્યા છે. જેથી સરકાર દ્વારા સખ્તાઈથી લૉકડાઉનનું પાલન કરવવા માટેના પ્રયાસો હાથ ધરાયા છે. જયારે નવસારી જિલ્લામાં મળેલા ૪૧ કોરોનાના શકમંદોનાં રિપોર્ટ નેગેટીવ આવ્યા છે. છતાં તંત્ર લોકો કડકાઇથી લૉકડાઉન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે એના પ્રયાસો કરી રહ્યાં છે.
ચીખલીમાં શરૂ કરાયેલી હંગામી શાક માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સીંગનો છેદ ઉડ્યો - navsari corona update
કોરોના સંક્રમણથી નવસારીજનોને વારંવારની સૂચનાઓ આપવા છતાં લોકો સમજવા જ માનતા ન હોય એવા દ્રશ્યો જોવા મળે છે. ગત દિવસોમાં નવસારીના કબીલપોર ગામે સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા પોલીસે કાર્યવાહી કરી હતી. ત્યારે શુક્રવારે ચીખલીના ક્રિકેટ મેદાનમાં શરૂ કરાયેલી હંગામી શાકભાજી માર્કેટમાં લોકોની ભીડ જણાતા સરકારી અપીલનો ફિયાસ્કો થયો હતો.
નવસારીના આદિવાસી તાલુકા ચીખલીના મુખ્ય મથકે પણ શાકભાજી લેવા માટે આસ-પાસના ગામોમાંથી લોકો આવતા હોય છે. જેથી શાકભાજીને કારણે લૉકડાઉનનો ભંગ ન થાય એ હેતુથી સ્થાનિક તંત્ર દ્વારા ચીખલી નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે હંગામી ધોરણે શાકભાજી માર્કેટનુ સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. પરંતુ શાકભાજી ખરીદી કરવા આવતા લોકોએ વહીવટી તંત્ર અને અધિકારીઓની નજર સામે જ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી સરકારી અપીલની મશ્કરી ઉડાવી હતી અને એક સાથે જ ખરીદી કરવા માટે ઉમટી પડયા હતા.
જ્યારે સોશિયલ મીડિયામાં હંગામી શરૂ કરાયેલી શાકભાજી માર્કેટના સ્થાળાંતરનું એક પેમ્પલેટ ફરતુ થયુ હતુ. જેમાં પણ કોઈ જવાબદાર અધિકારીના સહી, સિક્કા ન હતા, જેથી ક્રિકેટ મેદાનમાં કોની પરવાનગીથી માર્કેટ શરૂ થયાનો પ્રશ્ન પણ લોકોમાં ચર્ચાયો હતો. જો કે, તંત્ર દ્વારા માર્કેટ સંબંધી ફરતું પેમ્પલેટ સોશિયલ મીડિયામાં ફરતું અટકાવવાના પ્રયાસો થયા હતા.