નવસારી: જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગ દ્વારા આ વર્ષથી જિલ્લાની 700 થઈ વધુ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓમાં વાંચનની ટેવ કેળવાય એ હેતુથી દરેક શાળાઓમાં પુસ્તકાલય સાથે જ ફરતું પુસ્તકાલય તેમજ ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીઓને વિજ્ઞાનના સાધનો સાથે પ્રયોગ કરવાની અને સમજવાનો લાભ મળે એ હેતુથી 4 ફરતી પ્રયોગશાળાઓ શરૂ કરવામાં આવી છે. ફરતા પુસ્તકાલય અને પ્રયોગશાળાના નવતર પ્રયોગને રવિવારે નવસારીના ગણેશ સિસોદ્રા ગામે સ્થિત કુમાર શાળામાં નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિત જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ. અમિતા પટેલ, નવસારીના ધારાસભ્ય પીયૂષ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે લીલી ઝંડીઓ બતાવી પ્રસ્થાન કરાવી, લોકાર્પણ કર્યુ હતું.
નવસારી શિક્ષણ વિભાગનો નવતર પ્રયોગ, જિલ્લામાં ફરતું પુસ્તકાલય અને ફરતી પ્રયોગશાળાનો પ્રારંભ - નવસારીના સાંસદ
નવસારી જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં નવસારીના ગણેશ સિસોદ્રા ગામેથી ફરતું પુસ્તકાલય અને ફરતી પ્રયોગશાળાનું નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટિલના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ. આ સાથે જ પ્રવાસી શિક્ષકોને નિમણૂંકપાત્રો તેમજ વ્હાલી દીકરી યોજના હેઠળ બાળાઓને બોન્ડ આપવામાં આવ્યા હતા.
આ સાથે જ જિલ્લા પંચાયતની શાળાઓમાં જ્યાં ગણિત-વિજ્ઞાનના શિક્ષકો નથી, તેવી શાળાઓ માટે 18 પ્રવાસી શિક્ષકોને નિમણુંક પત્રો અપાયા હતા. તેમજ રાજ્ય સરકારની વ્હાલી દીકરી યોજના અંતર્ગત 3.11 કરોડ રૂપિયા બોન્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા. જ્યારે શાળાના પુસ્તકાલય અને પ્રયોગશાળાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જિલ્લા પંચાયતની કામગીરીને બિરદાવી હતી. તેેમજ નવસારીમાંથી પસાર થતી બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઇવે પ્રોજેકટ મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર અપાવવા માટેની વાત કરી, જમીન સંપાદનનો વિરોધ કરી રહેલા ખેડૂતો માટે એક નવી આશા જગાવી છે.