નવસારી:તન અને મનની ચૂસ્તિ-સ્ફ્રૂતિ માટે નગરજનોએ અનેક પ્રકારના પ્રયોગો શરૂ કરી દીધા છે. શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા એક ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક પીણું છે અને આ પીણું નવેમ્બરથી શિયાળો પૂર્ણ થાય ત્યાં સુધી મળે છે. શિયાળાની વહેલી સવારે લોકો નીરો પીતા જોવા મળે છે. નીરો એ માદક પીણું હોવાની વાત આઝાદી પહેલા ગાંધીજી સુધી પહોંચી હતી જેથી ગાંધીજીએ તમામ ખજુરી અને તાડના ઝાડને કપાવી નાખવાનો આદેશ કર્યો હતો.
નીરો એટલે....: સંસ્કૃત શબ્દ नीर પરથી નીરો શબ્દ આવ્યો હશે. નીર એટલે સત્ત્વસ્વરૂપ નીચાણ તરફ વહેતું પ્રવાહી. નીરો પણ ખજૂરી કે નર-તાડ વૃક્ષના ફુલગુચ્છની ડાળીમાંથી ટપકતું, એ વૃક્ષોનું પરમ સત્ત્વ-તેજ કે સારભાગ પ્રવાહી છે. પામ જાતીના વૃક્ષો જમીન માંથી પાણી ખેંચીને છેક ટોચે લાગેલા એના ફળમાં સિંચે છે. જેમ કે, નારીયેળી, નારિયેળીમાંથી પણ નીરો મળી શકે છે પણ મોટાભાગે ખજુરી જેનું વૈજ્ઞાનિક નામ Phoenix Sylvestris અને પ્રચલીત વિદેશીનામ DatePalm છે. એના વૃક્ષની ટોચે થડમાં ઘા કરીને ત્યાં હાંડી બાંધી દેતાં એમાં રાતભર ટપકી-ટપકીને પ્રવાહી જમા થાય છે. આ પ્રવાહી સૂર્યોદય પહેલા તાજેતાજું પીવાય તો એને નીરો કહે છે. પામપ્રજાતીના વૃક્ષોમાં નર અને માદા વૃક્ષ અલગ-અલગ હોય છે. તાડનું જે નર વૃક્ષ હોય એની ફુલમંજરીની ડાળીમાંથી ખજૂરી કરતાં સાપેક્ષે વધુ રસ ઝરે છે. આ તાડમાંથી મેળવેલ તાજો રસ પણ સૂર્યોદય પહેલાં તો નીરો જ કહેવાય છે.
નીરાના ઔષધીય ગુણો:તાજા નીરાંના ઘટકોનું આધુનિક વિજ્ઞાનના વિશ્લેષણમાં સુક્રોઝ આશરે 12% જેટલું, થોડા પ્રમાણમાં લોહતત્વ, રીબૉફલેવીન નામનું વિટામીન અને વિટામીન C જાણવા મળેલ છે. ડાયાબીટીક દર્દીઓ માટે સહેજ આથાયેલો નીરો ઉત્તમ રહે છે કારણ કે એમાં રહેલ સુક્રોઝનું આથા દ્વારા રૂપાંતર થયેલ હોય છે. આથી બ્લડ સુગર વધતી નથી એવું માનવામાં આવે છે. મૂત્રમાર્ગના રોગોમાં જે દર્દીઓને મૂત્ર ઓછું ઉતરતું હોય એમના માટે નીરો વધુ મૂત્ર ઉત્પાદક બને છે.
નીરો અને ગાંધીજી....: નીરો એ માદક પીણું હોવાની વાત આઝાદી પહેલા ગાંધીજી સુધી પહોંચી હતી. જેથી ગાંધીજીએ તમામ ખજુરી અને તાડના ઝાડને કપાવી નાખવાનો આદેશ કર્યો હતો જેથી મોટેભાગના વૃક્ષોને નિષ્કંદન કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા ગાંધીજીને મીરાના ઔષધીય ગુણો વિશે સમજાવતા પરિવાર વૃક્ષોને વાવવાની હાકલ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધી નીરા ઉદ્યોગની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી છે.