નવસારી : રાજ્યમાં ખેતી વપરાશનાં યુરીયાનો અનઅધિકૃત ઔધોગિક વપરાશ થતો અટકાવવા તેમજ આ સંબંધિત ગુનાખોરી પર નજર રાખી આવું કૃત્ય આચરતા તત્વોને પકડી પાડવા માટે કૃષિપ્રધાન રાઘવજી પટેલે ખેતીવાડી ખાતાને સુચનાઓ આપી હતી. જે અનુસંધાને ખેતીવાડી ખાતા દ્વારા ખેતી વપરાશનાં યુરીયાનો અનઅધિકૃત ઔધોગિક વપરાશ તેમજ તેને અન્ય બેગમાં ટ્રાન્સફર કરી નિકાસ થતો હોવાની મળેલી ચોક્કસ બાતમીના આધારે નવસારીના ચીખલી પંથકમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ચીખલી તાલુકાના આલીપોર (ખુંધ) ખાતે આવેલી આદિત્ય ઇન્ડસ્ટ્રીઝ, આલીપોર ખાતે આવેલી વિન્ડસર કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ તેમજ થાલા ખાતેના શિવકૃપા હોટેલમાં તપાસ કરવામાં આવી હતી.
શંકાસ્પદ યુરિયા ખાતર : આ વિવિધ સ્થળોએ પાડેલા દરોડામાં 6 વાહનોમાંથી 88.37 લાખની કિંમતનો શંકાસ્પદ યુરિયા ખાતરનો અંદાજીત 1.42 લાખ કિલોની 2952 બેગ ખાતરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ દરોડામાં રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ-1985ની જોગવાઇ મુજબ પકડાયેલા જથ્થામાંથી કુલ 12 નમુનાઓ લઇ પૃથ્થકરણ માટે ગાંધીનગર ચકાસણીમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેના પૃથ્થકરણ રિપોર્ટ પ્રમાણે સમગ્ર પ્રકરણમાં ખેતી વપરાશના યુરિયા ખાતરનો અનઅધિકૃત ઉપયોગ થતો હોવાનું સાબિત થયું છે. જેનાં આધારે વાહનોમાં ભરેલો અનઅધિકૃત જથ્થો તેમજ 6 વાહનો પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યા છે.
નીમ કોટેડ યુરિયા : આ જથ્થો નીમ કોટેડ યુરીયાનો છે, જે મંડળીઓમાંથી ખેડૂતોને ખાતર તરીકે વપરાશ માટે 266 રૂપિયામાં આપવામાં આવે છે. આ યુરિયા બજારમાં ઊંચા ભાવે મળતું હોવાથી સરકારી ખાતરના કેન્દ્રો અને સહકારી મંડળીઓમાંથી ગેરકાયદેસર રીતે મેળવી ખોટા બિલો બનાવવામાં આવતો. રેઝીન પાઉડરની બેગમાં ખેતી વપરાશનાં યુરીયા ખાતરનો જથ્થો ટ્રાન્સફર કરવામાં આવતો. કંપનીના માલિક વિનોદ પટેલ કન્ટેનરો મારફત આ જથ્થો એક્સ્પોર્ટ કરવાની તૈયારી કરતો હતો.