ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari Water crisis: કબીલપોરમાં ઉઠ્યો પાણીનો પોકાર, પાલિકાએ મહિનાઓ સુધી બોરિંગનું વીજ બીલ ન ભરતા સર્જાય સમસ્યા - નવસારીમાં પાણીનો પોકાર

નવસારી (Navsari) જિલ્લાના ગામડાઓનો સમાવેશ કરી વિશાળ બનેલી નવસારી-વિજલપોર નગરપાલિકાના શાસકો કબીલપોર વિસ્તારના 400 પરિવારોને પાણી આપતા એક બોરિંગનું વીજ બીલ મહિનાઓ સુધી ભરવાનું ભુલી જતા ચોમાસાના પ્રારંભે જ પાણીનો પોકાર ઉઠવા પામ્યો (Water crisis) હતો. પાલિકાએ પાણીના બંબા મોકલી લોકોને પાણી પહોંચાડ્યું હતુ. આ સાથે જ ત્રણ દિવસ બાદ અંદાજે 80 હજાર રૂપિયાનું બાકી વીજ બીલ ભરીને પોતાની શાખા બચાવી હતી. જોકે વીજ કનેક્શન કપાવામાં ભુલ પાલિકાની કે વીજ કંપનીની એના ઉપર લોકોમાં ચર્ચા રહી હતી.

Navsari Water crisis:
કબીલપોરમાં ઉઠ્યો પાણીનો પોકાર,

By

Published : Jun 27, 2021, 9:49 AM IST

  • પાલિકાએ મહિનાઓ સુધી બોરિંગનું વીજ બીલ ન ભરતા કનેક્શન કપાયુ
  • પાણીની બુમ પડતા પાલિકાએ તાત્કાલિક અંદાજે 80 હજારનું બાકી બીલ ભર્યુ
  • ગામડાઓની ખાનગી સોસાયટીઓના બોરિંગના વીજ બીલ અંગે થયો હતો વિવાદ

નવસારીઃ નગરપાલિકાની ચુંટણી (Corporation Election) પૂર્વે નવસારીમાં વિજલપોર પાલિકા સાથે જ નજીકના 8 ગામડાઓને પણ પાલિકામાં સમાવવામાં આવ્યા હતા. જેમાં ગામડાઓની ખાનગી સોસાયટીઓના પાણીના બોરિંગની મોટરના વીજ બીલ જે અગાઉ સરકારી નિયમાનુસાર ગ્રામપંચાયતો ભરતી હતી. એ પાલિકામાં સમાવેશ થતાં જ પાલિકાએ વીજ બીલ ભરવાનો નંનો ભણી દીધો હતો. જેને કારણે ગામડાઓની ખાનગી સોસાયટીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિવાદ વધતા નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ ચુંટણી નજીક હોવાથી વિવાદને શાંત કરાવ્યો હતો. પરંતુ ત્યારબાદ મહિનાઓ વીતવા છતાં વીજ બીલ ન ભરાતા DGVCLના અધિકારીઓ એક્શનમાં આવ્યા હતા. ત્રણ દિવસ અગાઉ કબીલપોર ગ્રામપંચાયતની સત્યમ નગર સોસાયટી પાછળના પાણીના બોરિંગનું હજારો રૂપિયાનું વીજ બીલ બાકી રહેતા વીજ કનેક્શન કાપી નાંખવામાં આવ્યુ હતુ. જેથી કબીલપોરના સત્યમ નગર નજીકના જોગીવાડ, હરિનગર, ધવલનગર સહિતના વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસોમાં અંદાજે 400 પરિવારોને પાણી માટે વલખા મારવા પડ્યા હતા. પાણીની બુમ પડતા પાલિકાએ બંબા મારફતે પાણી પહોંચાડવાની જરુર પડી હતી. આ સાથે જ સ્થાનિકોએ પાલિકા સાથે નગરસેવકોની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. સત્યમ નગર પાછળના બોરિંગની મોટરનું વીજ કનેક્શન કપાતા ઉઠેલા વિવાદ બાદ પાલિકાના શાસકોએ તપાસ કરતા બોર ગ્રામપંચાયતનો હોવાનું જણાયું હતું. જેથી બોરની જવાબદારી સીધી પાલિકાની થતી હતી. જેથી સ્થાનિક નગરસેવક સાથે પાલિકા પ્રમુખ અને વોટર વર્ક્સ સમિતિના પ્રમુખે બોરિંગના વીજ બીલ મુદ્દે માહિતી મેળવ્યા બાદ તાત્કાલિક અંદાજે 80 હજાર રૂપિયાનું બાકી બીલ ભરી પોતાની શાખ બચાવવાનો પ્રયાસ કર્યો હતો. વીજ બીલ ભરાઈ જતા DGVCL દ્વારા ફરી સત્યમ નગર પાછળના બોરિંગનું વીજ કનેક્શન કાર્યરત કરતા પાણીની સમસ્યાનું સમાધાન થયુ હતુ.

કબીલપોરમાં ઉઠ્યો પાણીનો પોકાર

ખાનગી સોસાયટીના બાકી વીજ બીલના મુદ્દાનું 90 ટકા નિરાકરણ

નવસારી-વિજલપોર નગરપાલિકામાં સમાવિષ્ટ 8 ગામડાઓની ખાનગી સોસાયટીઓના પાણીના બોરિંગની મોટરના વીજ બીલ અંગે ઉઠેલા વિવાદના નિરાકરણમાં પાલિકાએ 50/50 ટકાની સ્કીમ આપી હતી. જેમાં ખાનગી સોસાયટીના બોરિંગ પાલિકા હસ્તક લઈ અડધું બીલ પાલિકા આપશે અને અડધું સોસાયટીએ ભરવાની વાત હતી. પરંતુ ખાનગી સોસાયટીઓનો પાણીનો બોર પાલિકા હસ્તક ગયા બાદ પણ અડધું બીલ ભરવાની વાત સોસાયટીઓને મંજુર ન હોવાથી તેમણે બીલ ભરવાની જવાબદારી સ્વીકારી લીધી હતી. જ્યારે કેટલીક જગ્યાએ શ્રમિક વિસ્તારો આવતા હોવાથી પાલિકાએ એ બોરિંગ પોતાને હસ્તક લઈ લીધા હતા. જેથી પાણીના વીજ બીલનો વિવાદ 90 ટકા હલ થયો છે.

આ પણ વાંચોઃનવસારીમાં પાણી કાપ : શહેરીજનોને એક ટાઈમ જ પાણી મળશે

તાત્કાલિક અંદાજે 80 હજારનું બાકી બીલ ભરાવ્યુ

સમગ્ર મુદ્દે નવસારી-વિજલપોર પાલિકાના વોટર વર્ક્સ (corporation water workers comitee) સમિતિના પ્રમુખ પ્રશાંત દેસાઈએ જણાવ્યું કે, સત્યમ નગર સોસાયટીની પાછળ આવેલો બોર કબીલપોર ગ્રામ પંચાયત હસ્તકનો હતો. ત્યાંથી મોટે ભાગે શ્રમિક વિસ્તારમાં જ પાણી આપવામાં આવતું હતું. આ બોરનું વીજ કનેક્શન કપાતા તાત્કાલિક પાલિકાના પ્રમુખ અને સ્થાનિક નગરસેવકોને સાથે રાખી બોર વિશેની માહિતી મેળવી અંદાજે 80 હજાર રૂપિયાનું બાકી બીલ ભરી બોર ચાલુ કરાવી દીધો છે. આ વિસ્તારના લોકોને પાણી મળતું થયુ છે. જોકે આમાં વીજ કંપનીએ પણ પાલિકાને કોઈ જાણ કરી ન હતી, જેથી સમસ્યા સર્જાઇ હતી.

ABOUT THE AUTHOR

...view details