કુંવરજી બાવળીયાએ વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેકટ સ્થળ મુલાકાત લીધી નવસારી:ભવિષ્યમાં પાણીની કમી નહીં સર્જાય તે માટે નવસારીમાં વાઘરેચ ટાઈડલ રેગ્યુલેટર ડેમ બની રહેલ છે. આ ડેમ બિલીમોરા નગરપાલિકા સહિત અનેક વિસ્તારોમાં આશીર્વાદ સમાન બનવાનો છે. જળ સંપત્તિ અને પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાએ વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેકટ સ્થળ મુલાકાત લીધી હતી.
હયાત પાળાનું મજબુતીકરણ, નવા પાળાનું બાંધકામ અને કોંક્રિટની પાકી દીવાલ બાંધવા સહિતના કામોની ચર્ચા વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેકટ સ્થળની મુલાકાત:રાજ્યના જળ સંપત્તિ પ્રધાને આ સમગ્ર પ્રોજેક્ટની કામગીરીનો તાત મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. આ યોજનામાં કાવેરી નદી પર 500 મીટર લંબાઈમાં પાઈલ ફાઉન્ડેશન સાથે વિયર બાંધવામાં આવશે. નદી કિનારાના બિલીમોરા અને આજુબાજુના ગામોને પુરથી સુરક્ષિત રાખવા માટે 8 હજાર 381 મીટર લંબાઈમાં હયાત પાળાનું મજબુતીકરણ, નવા પાળાનું બાંધકામ અને કોંક્રિટની પાકી દીવાલ બાંધવા સહિતના કામોની ચર્ચા કરી હતી. સાથે સૌરાષ્ટ્રના ખેડૂતોને હવે રોટેશનમાં વીજળી આપવાની વાત કહી હતી.
આ પણ વાંચો:Navsari News: નવસારીમાં આંગણવાડીઓ ખંડેર હાલતમાં, બાળકો ખુલ્લા શેડમાં બેસી અભ્યાસ મેળવવા મજબૂર
સિંચાઈ માટે મીઠું પાણી પૂરું મળશે: આ ડેમ થકી ગણદેવી તાલુકાના વાઘરેચ, ગોયંદી-ભાઠલા, દેસરા, આંતલીયા, વંકાલ, ઘેકટી, ઉંડાચના લુહાર ફળીયા અને વાણીયા ફળીયા, ખાપરવાડા, વાસણ વગેરે ગામોને પીવા અને સિંચાઈ માટે મીઠું પાણી પૂરું મળશે. જે ઉપરાંત જૂની ખરેરા નદી પુનર્જીવીત થશે.
આ પણ વાંચો: CSMCRIની આઝાદીના 75 વર્ષે ભેટ, દરિયાનું પાણી મીઠું કર્યું
ખારાશ આવતી અટકાવવા માટે યોજના મંજૂર કરાઈ:કુંવરજી બાવળીયાએ વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટર પ્રોજેકટની સ્થળ મુલાકાતમાં જણાવ્યું હતું કે, બિલીમોરા શહેર તેમજ આજુબાજુના કાંઠા વિસ્તારના ગામોમાં દરિયાની ભરતીનું ખારૂ પાણી નદીમાં પ્રવેશવાને કારણે નદીના અને આજુબાજુ બોર/કુવાના ભૂગર્ભ જળ ખારા થઈ જાય છે. આ ખારાશ આવતી અટકાવવા માટે વાઘરેચ ટાઇડલ રેગ્યુલેટરના નામથી યોજના મંજૂર કરવામાં આવી છે. આ વિસ્તારની પ્રજાની વર્ષો જૂની માંગણી પૂરી કરી છે. આ ડેમ બનવાથી તેર કિલોમીટર વિસ્તારમાં આવતા ગામોમાં પીવાનું શુધ્ધ પાણી મળશે. લોકોની સુખાકારીના કામો કરવા માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે તેમ જણાવ્યું હતું.