નવસારી: પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીમાં લોકડાઉન દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસની ટુકડી બુધવારે સાંજે જલાલપોરના એરૂ ચાર રસ્તા નજીક પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી કે, એરૂ ગામની જીનલ પાર્ક સોસાયટી અને મેડીવાલા બંગ્લોઝ સોસાયટીમાં થયેલી ચોરીમાં એરૂ ગામના સડક ફળિયામાં રહેતા અને મૂળ અમલસાડના જયેશ રમેશભાઇ હળપતિએ કરી છે.
નવસારીના એરૂ ગામમાં થયેલી ચોરીઓનો ભેદ ઉકેલાયો, આરોપીની ધરપકડ
નવસારીનાં જલાલપોર તાલુકાનાં એરૂ ગામની બે સોસાયટીઓમાંથી ગત એપ્રિલ મહિનામાં લોકડાઉનના સમયમાં કુલ 1.12 લાખ રૂપિયાની ચોરી થઇ હતી. જેમાં નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે એરૂ ગામના જયેશ હળપતિની મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે.
પોલીસે આરોપી જયેશના ઘરે છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે જીનલ પાર્કમાંથી 14 હજાર રૂપિયા રોકડા અને મેડીવાલા બંગ્લોઝમાંથી પણ રોકડા 95 હજાર 35 રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. જેને આધારે પોલીસે ઘરફોડ ચોરીનાં ગુનામાં આરોપી જયેશ હળપતિની ધરપકડ કરી કુલ્લે 1.12 લાખ રૂપિયા રોકડ કબ્જે કર્યો હતા.
ઉલ્લેખનિય છે કે, હાલ કોરોના મહામારી હોવાથી આરોપીની ધરપકડ બાદ આજે બુધવારે તેના કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાથે જ તેનો રીપોર્ટ જ્યાં સુધી ન આવે, ત્યાં સુધી નવસારી સિવિલ હોસ્પિટલમાં કોવોરોન્ટાઇન કરવામાં આવ્યો છે.