નવસારી : હાલ નવસારી જિલ્લામાં ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે, ત્યારે પોલીસ પણ સતર્ક બની આવી ચોર ટોળકીઓને ઝડપી લેવા માટે કમર કસી રહી છે. ગત દિવસોમાં પણ ચીખલી અને બીલીમોરામાં થયેલી ચોરીનો ભેદ પોલીસ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો અને મહારાષ્ટ્રથી દબોચી લાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા, ત્યારે ખેરગામ તાલુકાના બરડીપાડા ગામે પાડોશીની સતર્કતાના આધારે ભર બપોરે ચોરી થતા અટકી છે. ગામમાં રહેતા નરેશ ગાવિત બંધ પડેલા મકાનમાં ગત 4 તારીખની બપોરે કોઈ શંકાસ્પદ ગતિવિધિ ચાલી રહી હોય તેવી શંકા પાડોશમાં રહેતા ભરત ગાવિતને થઈ હતી. જેથી ભરત ગાવીતે સતર્કતા વાપરી ખેરગામ પોલીસને તાત્કાલિક જાણ કરી હતી.
પાડોશીના સતર્કતાના આધારે ચોરી અટકી : ખેરગામ પોલીસ પણ સમય સુચકતા વાપરી ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા ઘરના મુખ્ય દરવાજામાં કોઈ સાધન વડે બાકોરું પાડી બે ચોરો ઘરમાં પ્રવેશ્યા હતા. કોઈપણ પ્રકારના ડર વગર ચોરો પોતાની ચોરી કરવામાં મસગુલ હોયને પોલીસ ત્રાટકવાની છે એ વાતથી અજાણ ઘરના નીચેના રૂમમાં ચોરી કરતા હતા. સુરતના સિંગણપોર ખાતે જય શિવમ સોસાયટીમાં રહેતા સંદીપ નારણદાસ પટેલ પોલીસના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો, જ્યારે અન્ય બીજો ચોર પોલીસને ત્રાટકેલી જોઈ છત પરથી જંપ કરીને ભાગવામાં સફળ થયો હતો. સમગ્ર ચોરીની ઘટનામાં પાડોશીના સતર્કતાના આધારે લાખો રૂપિયાની ચોરી થતા અટકી હતી.
ચોર ભાજપના આગેવાનો ભાઈ : રંગે હાથ ચોરી કરતા પકડાયેલો સંદીપની પૂછપરછ કરતા અને તેનો ગુનાહિત ઇતિહાસ તપાસતા તેના વિરુદ્ધ અનેક ગુનાઓ પોલીસમાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. તો બીજી તરફ આ આરોપી સંદીપ પટેલ નવસારી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન અમિતા પટેલનો સગો ભાઈ હોવાનું જણાવ્યું હતું. પરંતુ આરોપી પોતાની ગુનાહિત છબીથી ખરડાયેલો હોય તેથી સંદીપને તેની બેન અમિતા પટેલ સાથે વર્ષોથી કોઈ સંબંધ ના હોય એ પણ સામે આવ્યું હતું.