નવસારી : રશિયા દ્વારા યુક્રેન પર કરાયેલા હુમલા બાદ યુક્રેનમાં (Russia Ukraine War) સ્થિતિ તંગ બની છે. હવાઈ માર્ગ બંધ થતાં યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા નવસારી સહિત દેશના અન્ય પ્રાંતના વિદ્યાર્થીઓ તેમજ અન્ય નાગરિકો ફસાઈ ગયા છે. જેમાં યુક્રેનના ઓડેસામાં નવસારીના એક વિદ્યાર્થીની સહિત 5 વિદ્યાર્થીઓ (Navsari Students In Ukraine) પણ ફસાયા છે. જેમને ભારતીય એમ્બેસી માંથી મદદ ન મળતા અંતે વિડીયો દ્વારા ભારત સરકાર પાસે મદદની આશા વ્યક્ત કરી છે.
નવસારી વિદ્યાર્થીઓ 6 મહિના પહેલા યુક્રેનમાં પહોંચ્યા હતા
નવસારીના જમાલપોર ખાતે રહેતા રિયા પટેલ, જીગર પટેલ, પાર્થ પટેલ, હાર્દિક પટેલ તેમજ આકાશ બમનાની MBAનો અભ્યાસ કરવા 6 મહિના પહેલા યુક્રેનના ઓડેસા ગયા હતા. તે દરમિયાન રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થવાની દહેશત વચ્ચે તેમણે ભારત આવવાના પ્રયાસો આરંભ્યા હતા. જેમાં એર ઇન્ડિયાની ટિકિટ 80 હજાર ઉપર અને અન્ય એરલાઇનની (Flight to Ukraine) ટિકીટ 1.50 લાખ કે તેથી વધુ ખર્ચ થતા તેઓ મૂંઝાયા હતા. જો કે, વિદ્યાર્થીઓએ પરિવાર સાથે સંપર્ક કરી 80 હજારની ટિકિટ લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ ત્યાં સુધીમાં રશિયાએ યુદ્ધ આરંભી દેતા યુક્રેનના ઓડેસા શહેરથી અન્ય શહેર કે સરહદી વિસ્તાર સુધી પહોંચવા ટ્રેન, પ્લેન કે અન્ય પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ બંધ થતાં વિદ્યાર્થીઓની (Gujarat students in Ukraine) સ્થિતિ કફોડી બની છે.
પોલેન્ડ સરહદે વિદ્યાર્થી પહોંચે કેવી રીતે
ETV Bharat ને ઓડેસામાં ફસાયેલા વિદ્યાર્થીઓની રિયાએ જણાવ્યું કે, એમને એમ્બેસી દ્વારા એક અઠવાડિયા અગાઉ જ માહિતી આપવામાં આવી અને એ દરમિયાન તેમને આપવાની વ્યવસ્થામાં મુશ્કેલી પડી. જોકે એમ્બેસીએ તેમને ઘરમાંથી બહાર ન નીકળવા અને બેગ પેક કરીને તૈયાર રહેવા જણાવ્યું હતુ. તે દરમિયાન સવારે 6 વાગ્યાથી યુદ્ધનો આરંભ થતા વિદ્યાર્થીઓ ઓડેસા શહેરમાં જ ફસાઈ ગયા હતા.