ગુજરાત

gujarat

ETV Bharat / state

Navsari News : ચીકુની મબલખ આવક છતાં ખેડૂતો વેપારીઓની ચિંતામાં વધારો - ચીકુને લઈને ટ્રાન્સપોર્ટેશનની અછત

નવસારીના ગણદેવી તાલુકામાં ચીકુ આવક સારી છતાં ખેડૂતો અને વેપારીઓ ચિંતામાં ફરતા જોવા મળે છે. કારણ કે, બદલાતા વાતાવરણ અને ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રકોની અછત સર્જાઇ રહી છે. તો બીજી તરફ ચીકુની મબલખ આવક સામે ચીકુના ભાવ પણ ગગડ્યા છે.

Navsari News : ચીકુની મબલખ આવક છતાં ખેડૂતો વેપારીઓની ચિંતામાં વધારો
Navsari News : ચીકુની મબલખ આવક છતાં ખેડૂતો વેપારીઓની ચિંતામાં વધારો

By

Published : Mar 20, 2023, 11:52 AM IST

નવસારીમાં ચીકુની મબલખ આવક છતાં ખેડૂતો વેપારીઓની ચિંતામાં વધારો

નવસારી : ગણદેવી તાલુકો બાગાયતી પાકોનો નંદનવન તરીકેની શાખ ધરાવે છે. ચીકુને ગણદેવી તાલુકાનો મુખ્ય પાક પણ કહી શકાય છે. ગત ઓક્ટોબર મહિનાની સિઝનમાં ચીકુના પાકે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું હતું અને ઉત્પાદન ઓછું રહ્યું હતું, પરંતુ તે પછીની સિઝનમાં વધુ પડતી ઠંડી પડવાને કારણે ફ્લાવરિંગ પૂરતા પ્રમાણમાં થતા ચીકુના ઝાડ ફળોથી નમી પડ્યા હતા. કારણ કે જ્યાં એક ઝાડ પર 12થી 15 મણ ચીકુની ક્ષમતા હોય છે, ત્યાં 20 મણ ચીકુ લાગતા આ પરિસ્થિતિ સર્જાય છે. તો બીજી તરફ છેલ્લા દસ દિવસથી વાતાવરણમાં પલટો આવતા એની સીધી અસર ફળ પર પડતા પરિપક્વ થતા નથી. સાથે લીલાશ પડતા ચીકુનું ખરણ પણ વધ્યું છે.

ચીકુમાં લીલાશ

આ ચીકુની સિઝન કેવી : આ સિઝનમાં ચીકુનો પાક મોટી સંખ્યામાં ઉતાર્યો છે. ચીકુ બેડવા માટે મજૂરોની પણ અછત હાલમાં સર્જાઇ રહી છે. તેમ છતાં પણ ખેડૂતો ચીકુ બેડીને એપીએમસી કે મંડળીમાં ચીકુ આપી રહ્યા છે. મંડળીઓની વાત કરવામાં આવે તો, અહીં રોજના 10,000 મણથી વધુ ચીકુની આવક થઈ રહી છે. જ્યારે ચીકુની આવક વધતા ચીકુના ભાવ 450થી 600 રૂપિયા ગગડીને 150થી 200 રૂપિયા થયા છે. જેને કારણે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ સામે પુરતા ભાવ નથી મળી રહ્યા. તો બીજી તરફ જે ચીકુ અપરિપક્વ અને નાના તેમજ લીલા રહેતા આ ખેડૂતો પાંચ રૂપિયા પ્રતિ મણના ભાવે આપવા મજબૂર બન્યા છે. જેથી ચીકુ પકવતા ખેડૂતોની હાલત ડુંગળી પકવતા ખેડૂતો જેવી બની છે.

ચીકુના ભાવ ગગડ્યા

ટ્રકની અછત : ચીકુનો પાક આ સિઝનમાં મબલખ ઉતરતા સહકારી મંડળી અને APMCમાં પણ આવક વધી છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં દ્રાક્ષ અને સંતરાની સિઝન પણ શરૂ થતા ટ્રાન્સપોર્ટમાં ટ્રકની અછત સર્જાતા અન્ય રાજ્યોમાં ચીકુનો માલ પહોંચાડવા માટે વેપારીઓને ટ્રક પૂરતા પ્રમાણમાં મળતી નથી. રિટર્ન આવતા ટ્રક ખાલી આવતી હોવાથી તેનું ભાડું પણ વધી જાય છે. તેથી ટ્રકની અછતના કારણે વેપારીઓ 16 ટનને બદલે 20 ટન ચીકુનો માલ ભરવા માટે મજબૂર બન્યા છે.

યાર્ડમાં ચીકુની મબલખ આવક

ક્યા ક્યા રાજ્યમાં ચીકુ જાય છે : આ ચીકુના બોક્સ દિલ્હી, હરિયાણા, પંજાબના હોલસેલ બજારમાં પહોંચે ત્યારે લાંબો સમય ટ્રકમાં ગીચોગીચ રહેવાથી તેમાં બગાડ પણ વધુ થઈ રહ્યો છે. જેથી ત્યાંના બજારોમાં પ્રતિમણનો ભાવ 240 રૂપિયા સુધી પહોંચે છે. જેની સામે ટ્રાન્સપોર્ટ ખર્ચ 170થી 220 રૂપિયા થાય છે. જેથી વેપારીઓને પ્રતિમણ 20થી 70 રૂપિયા મળતા હોવાની ફરિયાદો છે. વેપારીઓની આવક ઘટતા ખેડૂતોને પણ ભાવ નથી મળતા અને ઘણીવાર ખેડૂતે ઘરના રૂપિયા નાખવાની નોબત આવે છે.

10,000 મણથી વધુ ચીકુની આવક

ખેડૂતોના આર્થિક સ્થિતિ કેવી રીતે સુધરે : ચીકુના ફળ ત્રણ ચાર દિવસોમાં પાકી જતાં હોવાથી તેને અન્ય રાજ્યોના બજારો સુધી પહોંચાડવા માટે સરકારે વિશેષ કિસાન ટ્રેન ફાળવી હતી, પરંતુ ઉનાળામાં પાવરની ખપતને કારણે કોલસાને પ્રભુત્વ આપવું પડે છે. તેથી ચીકુ માટે કિસાન ટ્રેન મળતી નથી. હાલમાં રેલવે દ્વારા ગુડ ટ્રેન ફાળવવામાં આવી, પરંતુ આ ટ્રેન સમય કરતા મોડી પહોંચી જેને કારણે ચીકુ બગડતા અને ભાવ ઓછો મળ્યા. તો બીજી તરફ કિસાન ટ્રેન કરતાં ગુડ્સ ટ્રેન 50 ટકાથી વધુ મોંઘી પડે છે. જેથી ખેડૂતોને ધ્યાને રાખી કિસાન ટ્રેન ફાળવવામાં આવે, મનરેગા હેઠળ ખેત મજૂરોને સમાવેશ કરવામાં આવે તો વર્ષે દિવસે 15 લાખ મણથી વધુ ચીકુ ઉત્પાદન કરતા નવસારીના ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

ટ્રાન્સપોર્ટેશનની અછત

ખેડૂતો શું કહ્યા રહ્યા : સમગ્ર મુદ્દે ખેડૂત હેમંતભાઈ એ જણાવ્યું હતું કે, ચીકુને અન્ય રાજ્યોમાં મોકલવા માટે ટ્રાન્સપોર્ટેશનની અછત ઘણા વર્ષોથી વર્તાતી આવી છે. આ સિઝનમાં ચીકુનો મબલખ પાક તો ઉતર્યો છે. પરંતુ ટ્રાન્સપોર્ટેશનના અભાવને કારણે ચીકુની હાલત ડુંગળી જેવી થવા માટે મજબૂર બની છે. તેથી ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો :Gir Somnath News : ધીરજના ફળ મીઠા, 17 વર્ષ બાદ મળી સફળતા, ખેડૂતે કેરીની વચ્ચે કર્યું કાજુનું વાવેતર

અન્ય રાજ્યમાં માલ પહોચતા ચીકુ બગડે : મંડળીના વેપારી અશોકભાઈ એ જણાવ્યું હતું કે, બદલાતા વાતાવરણને કારણે ચીકુના પાકને ઘણું નુકસાન થયું છે. તો બીજી તરફ અન્ય રાજ્યોમાં ચીકુનો માલ મોકલવા માટે ટ્રાન્સપોર્ટેશનની ટ્રકોની અછતના કારણે તેઓ ભાડું પણ વધારે માંગે છે. જે 16 ટનની ગાડીમાં ટ્રકની અછતના કારણે અમે 20 ટન સુધી માલ ભરીએ છીએ. જેથી ગરમીમાં બીજા રાજ્યોમાં જતા જતા બોક્સમાંથી પાણી છૂટવાના કારણે નીચેના બોક્સમાં બગાડ થતા એમાં રહેલો માલ પણ બગડે છે. જેથી એની સીધી અસર ચીકુના ભાવ પર પડતા વેપારીઓએ મોટી નુકસાની ભોગવવાનો વારો આવે છે.

આ પણ વાંચો :બનાસકાંઠાના ખેડૂતો બેહાલ, 15 રૂપિયાની પડતરના ટામેટા કોઈ 5 રૂ. માં લેવા તૈયાર નહીં

સરાકાર પાસે કરી માંગ : સહકારી મંડળીના પ્રમુખ દિનેશભાઈ એ જણાવ્યું હતું કે, હાલ ચીકુની સીઝન સારી છે. પરંતુ ટ્રાન્સપોર્ટેશનની અછત છે. તો બીજી તરફ ચીકુની સીઝનની સાથે સાથે દ્રાક્ષ અને સંતરાની સિઝન છે. તેથી દ્રાક્ષ અને સંતરાના વેપારીઓ તરફથી ટ્રાન્સપોર્ટેશનના વધારે પૈસા મળવાથી ટ્રકો મહારાષ્ટ્ર તરફ રવાના થઈ જાય છે. ટ્રાન્સપોર્ટેશનને લઈને વધારે પ્રોબ્લેમ ટ્રેનના કારણે પણ આવ્યું છે. કારણ કે, જે ટ્રેન ચાલુ થઈ છે એક કિસાન ટ્રેન નહીં પણ ગુડ્સ ટ્રેન ચાલુ થઈ હોવાથી આ ટ્રેનને દિલ્હી પહોંચવામાં સમય લાગતો હોવાથી તેથી ત્યાં જે ભાવ ચીકુના મળવા જોઈએ તે મળતા નથી. તેથી અમે સરકાર પર એવી આશા રાખીએ છે. અમને ચીકુ માટે આખું વર્ષ કિસાન ટ્રેન ફાળવવામાં આવે. જેથી લોકલ લેવલે મજૂરોનો ઘણો પ્રોબ્લેમ છે. મજૂરોની સમસ્યા દૂર કરવા મનરેગા હેઠળ ખેત મજૂરોને સમાવેશ કરવામાં આવે. એવી અમારી સરકારને રજૂઆત છે.

ABOUT THE AUTHOR

...view details