નવસારી :સમગ્ર ગુજરાતમાં ચોમાસુ સારું એવું બેસી ગયું છે અને ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વધુ વરસાદ વરસી રહ્યો છે. જેને લઈને જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. જેમાં નવસારી જિલ્લાના ગણદેવી અને ચીખલીમાં વરસાદ સતત વરસી રહ્યો છે. જેને લઈને ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે સાથે કાવેરી નદી પર બનાવવામાં આવેલો ચેકડેમ પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે એક મકાનનો ભાગ પણ ધરાશાયી થયો છે.
દે માર વરસાદથી પાણી ભરાયા : ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે જિલ્લાની લોકમાતાઓમાં જળસ્તરમાં વધારો થયો છે. જિલ્લામાં દે માર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. જેમાં ગણદેવી તાલુકાના અંભેટા દેસાળ ગામને જોડતો માર્ગ, આતલિયા અને ઊંડા જ ગામને જોડતો માર્ગ અને ગણદેવી બીલીમોરા શહેરને જોડતો માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
એક મકાન ધરાશાયી : નવસારી શહેરની વાત કરવામાં આવે તો, શહેરમાં શરૂ થયેલા વરસાદના કારણે સ્ટેશન રોડ, ડેપો રોડ, મકોડીયા વિસ્તાર વરસાદી પાણી ભરાવાને કારણે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. તો બીજી તરફ ગત રાત્રિના પડેલા વરસાદને કારણે ચાંદની ચોક વિસ્તારમાં નાની પંડ્યા ખડકી ખાતે 80 વર્ષ જૂનું બંધ મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો હતો. જેમાં બાજુના મકાનમાં રહેતા સિનિયર સિટીઝનના મકાનને નુકસાન થયું હતું. જોકે નસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, આમ હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણેનો વરસાદ હવે આફતનો વરસાદ સાબિત થઈ રહ્યો છે.