નવસારી:નવસારી અને સુરત પંથકમાં છેલ્લા પાંચ મહિનાથી વધી રહેલી ચેઇન સ્નેચિંગની ઘટનાઓના સંદર્ભમાં સુરત રેન્જ આઇ.જી તેમજ નવસારી જિલ્લા પોલીસ વડાએ આ દિશામાં સતર્કતા દાખવાવનું સૂચન કર્યુ હતું. જેના અનુસંધાને નવસારી એલસીબીએ ચેન સ્નેચિંગ કરતા આવા આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન પ્રયાસો કર્યા હતાં. જે અંતર્ગત નવસારી એલસીબીના પીઆઇ દીપક કોરાટ અને તેમની ટીમે આવા ગુનાઓના આરોપીઓને પકડી પાડવા માટે ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. તે દરમિયાન તેમને મળેલી બાતમીના આધારે તેમણે ટાટા સ્કૂલ નજીક આવેલા રિંગ રોડ ખાતેથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
કુલ 20 જેટલા ગુનાની કબુલાત: ચેન સ્નેચિંગ મામલે પોલીસે સુરતના રહેવાસી 25 વર્ષીય ઈરફાન હબીબ ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. ઈરફાનની પૂછપરછ કરતા તેણે નવસારી ખાતેથી ત્રણ અને ગ્રામ્ય વિસ્તાર માંથી ચાર જેટલા ચેન સ્નેચિંગના ગુના સહિત સુરત ખામાંથી બીજા 13 ગુના મળી કુલ 20 જેટલા ગુના કર્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે ઈરફાન પાસેથી દોઢ લાખની કેટીએમ બાઈક સહિત રૂપિયા 4,27,610 ની કિંમતના સોનાના દોરા નંગ પાંચ અને બે મંગળસૂત્ર તેમજ મોબાઇલ અને રોકડ મળી કુલ રૂપિયા 5,80,310નો મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીને ચોરી કરવાનું કારણ પૂછતાં તેણે જણાવ્યું હતું કે, તેની પત્ની નાના પાયે કપડાનો વ્યવસાય કરે છે પરંતુ પોતાના મોજ શોખ કરવા માટે શોર્ટકટમાં પૈસા મળે તે માટે આ પ્રકારની પ્રવૃત્તિ કરતો હતો. ત્યારે આ ગુના બાબતે વધુ તપાસ નવસારી ટાઉન પોલીસ મથક દ્વારા કરવામાં આવી રહી છે