ટાઇડલ રેગ્યુલેટર ડેમનું વિશેષ મહત્ત્વ છે નવસારી : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નવસારી જિલ્લાની મુલાકાત લીધી હતી. નવસારી શહેરની જીવાદોરી સમાન લોકમાતા પૂર્ણા નદી ઉપર રૂપિયા 110 કરોડના ખર્ચે નિર્માણ થનાર ટાઇડલ રેગ્યુલેટર ડેમના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.આ સાથે જ મુખ્યમંત્રી એ જલાલપોરના અબ્રામા ખાતે રૂપિયા 36 કરોડના ખર્ચે નિર્માણ થનાર રમત ગમત સંકુલનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. તેમ જ ચીખલી ખાતે રૂપિયા 42 કરોડ ના ખર્ચે નિર્માણ થનાર 100 બેડ ની સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે ગણદેવી તાલુકામાં અંબિકા નદી ઉપર નિર્માણ થયેલ બ્રિજનું ઇ લોકાર્પણ કર્યું હતું.
20 વર્ષથી ટલ્લે ચડી હતી યોજના : અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્ણા નદી ઉપર ટાઇડલ ડેમ નિર્માણ યોજના પાછલા 20 વર્ષથી ટલ્લે ચડી હતી.જે યોજના હવે સાકાર થવા જઈ રહી છે. પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડેમ સાકાર થતા નવસારી શહેર સહિત આજુબાજુના 21 ગામોમાં પીવાના પાણીનો મોટો પ્રશ્ન હલ થશે. તેમજ ખેતીની 4200 એકર જમીનને પણ ફાયદો થશે.
આ પણ વાંચો Vaghrech Tidal Regulator Dam Project: ગણદેવી તાલુકાના ગામોને ટુંક સમયમાં મળશે પીવા અને સિંચાઈ માટે મીઠું પાણી
પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડેમ શું છે : નવસારીની પૂર્ણા નદી પર દરિયાઈ ખારાશ આગળ વધતી અટકાવવા તથા મીઠા પાણીના જળસંગ્રહની યોજના એટલે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર ડેમ. નવસારીના આગેવાનો છેલ્લા ૨૦ વર્ષથી જેના માટે સતત રજુઆત કરતા હતા, જે યોજનાની તત્કાલીન મુખ્યપ્રદાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2004માં જેની સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. એ મહત્વના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામાં આવ્યું છે.
સીએમે શું કહ્યું :સીએમ ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીની જૂની વાત યાદ કરાવતા કહ્યું હતું કે સરકાર જે કામના ખાતમુહૂર્ત કરે છે એ કામના લોકાર્પણ પણ આ જ સરકાર કરે છે. આ યોજનાથી નવસારીની જનતાની પાણીની સમસ્યા હલ થશે, નવસારીના આગેવાનોએ પણ આ યોજના ભવિષ્યમાં લાભદાયી નીવડશે એવું જણાવ્યું હતું.
કોણ હાજર રહ્યું : સાથે સાથે ગણદેવી તાલુકાના ધમડાછા ગામે પસાર થતી અંબિકા નદી ઉપરના નવા હાઈ લેવલના બ્રિજનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના પ્રધાન કુંવરજીભાઇ બાવળીયા, વન અને પર્યાવરણ રાજયપ્રધાન મુકેશભાઇ પટેલ, નવસારી સાંસદ સી.આર.પાટીલ, નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલના જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ આહીર ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો CSMCRIની આઝાદીના 75 વર્ષે ભેટ દરિયાનું પાણી મીઠું કર્યું
195 કરોડના કામો થશે : નવસારી ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહે જણાવ્યું હતું કે આજે નવસારી ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે નવસારીની પૂર્ણા નદી ઉપર નિર્માણ થનાર ટાઇડલ રેગ્યુલેટર ડેમનું ખાતમુહૂર્ત કર્યું હતું.સાથે જ તેમણે 195 કરોડના ખર્ચે સાકાર થનાર વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા.
સ્થાનિકનો પ્રતિભાવખેડૂત શિરીષ નાયક જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે વર્ષ બાદ નવસારીવાસીઓનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. આ ડેમ બનવાથી નવસારીના શહેર અને આજુબાજુના અનેક ગામો માટે આશીર્વાદ સમાન સાબિત થશે દરિયો નજીક હોવાને કારણે અમારા વિસ્તારમાં જમીનમાં ખારાશનું પ્રમાણ વધતું હતું તે હવે આ ડેમ બનવાથી અટકી જશે જેનો સીધો ફાયદો ખેતીને પણ થશે સાથે પાણીની સમસ્યાનો પણ અંત આવશે.