ચીખલી: નવસારી જિલ્લાના વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં શેરડીની ખેતી થાય છે. જેના મોટા મોલ પાછળ હિંસક પશુઓ આશ્રય સ્થાન મેળવીને અન્ય પશુને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. અગાઉ જ્યારે કોઈ હિંસક પશુ આવવાની ઘટના સામે આવતી ત્યારે આશ્ચર્ય થતું. હવે ડાંગ જિલ્લાના વિશાળ વન વિસ્તાર છેક નવસારી સુધી વિસ્તરેલા છે, તો હિંસક પશુઓ ગ્રામ્ય વિસ્તારમાં આંટાફેરા કરે એ ઘટના સામાન્ય બની રહી છે. જેના કારણે ગ્રામજનોમાં કાયમ એક ફફડાટ બેસી ગયો છે. નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં શેરડીના પાક વચ્ચે દીપડા પોતાને સુરક્ષિત મહેસૂસ કરે છે. તેથી વારંવાર નવસારી ગ્રામ્ય વિસ્તારમાં દીપડો આવી ચડવાની ઘટના વધી રહી છે. જેની સામે વન વિભાગ અણધારી આફત જેવી આ ઘટનાને કાયમી ધોરણે ઉકેલે એવી ગામના લોકો માંગ કરી રહ્યા છે.
ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ:જંગલોનું નિકંદનને કારણે વન્ય પશુ ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. ડાંગ જિલ્લામાંથી વન્ય પશુ ધીરે ધીરે નવસારી જિલ્લાની હદમાં પ્રવેશી રહ્યા છે. કારણ કે વન્ય પશુઓને પાણી અને ખોરાક નવસારી જિલ્લામાં મળી રહેતા વારંવાર દીપડા જેવા હિંસક પશુઓ નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં જોવા મળે છે. નવસારી જિલ્લામાં વધુ માત્રામાં શેરડીની ખેતી થાય છે. શેરડીઓની વચ્ચે દીપડા પોતાનું નિવાસસ્થાન બનાવતા હોય છે. કારણ કે ઊંચા ખેતરોની વચ્ચે તે લોકો પોતે અને પોતાના પરિવારને સુરક્ષિત માને છે. તો બીજી તરફ આ વિસ્તારમાં નદી કે કોતરો પાણીના માટે મહત્વના સાબિત થાય છે. તો ખોરાક માટે દીપડા જંગલી ભૂંડનો શિકાર કરતા હોય છે અને જંગલી ભૂંડો પણ ખેતરમાં મળી આવતા હોય છે.