ટૂંકા વસ્ત્રો પહેરી દર્શનાર્થે ન જવા અપીલ નવસારી : પવિત્ર શ્રાવણ મહિનાને લઈને બીલીમોરા સ્થિત આવેલ સોમનાથ મંદિર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે સોમનાથ મહાદેવ મંદિરના દર્શને આવતા દર્શનાર્થીઓને મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી દર્શન કરવા આવવા પર મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પવિત્ર શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તો બીલીમોરા સોમનાથ મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે જેને લઈને આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સનાતન ધર્મ અને આપણી હિન્દુ સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે સોમનાથ મંદિરના પરિસરમાં દર્શને આવનાર કોઈપણ દર્શનાર્થી સનાતન ધર્મની અને સોમનાથ મંદિર શિવાલયની ગરિમા સચવાય તે હેતુસર તે પ્રમાણેના પ્રમાણેના પરિધાન વસ્ત્રો પહેરીને મંદિરમાં આવવું જોઈએ. તે સિવાયના ટૂંકા વસ્ત્રો જેવા કે વિકૃતિ ઉપજાવતા કોઈપણ વસ્ત્રો પહેરીને મંદિરમાં દાખલ થવું નહીં. તેવો નિર્ણય મંદિર ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યો છે. દેવચંદ પટેલ (સોમનાથ મંદિર ટ્રસ્ટના મંત્રી)
મીની સોમનાથ તરીકે જાણીતું મંદિર : ઘણા મંદિરોમાં દર્શને આવતા ભક્તોને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેવી જ રીતે બીલીમોરા ના સોમનાથ મંદિર દ્વારા પણ આ જ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલું સોમનાથ મંદિર સમગ્ર દક્ષિણ ગુજરાતના શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે અને બીલીમોરા સોમનાથ મહાદેવના મંદિરને મીની સોમનાથ તરીકે પણ ઓળખવામાં આવે છે.
મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે : આ મંદિરને દક્ષિણ ગુજરાતના શિવભક્તો તેને જ્યોતિર્લિંગ જેટલું જ મહત્વ આપી અને પૂજા અર્ચના કરે છે. શ્રાવણ માસની શરૂઆત થતા જ દક્ષિણ ગુજરાતમાંથી તો મોટી સંખ્યામાં લોકો પગપાળા ચાલી સોમનાથ મહાદેવના મંદિરે દર્શન કરવા માટે આવે છે. જેમાં ભક્તોની મોટી આસ્થા બંધાઈ છે અને ભક્તોને મનોકામના પણ પૂર્ણ થાય છે. શ્રાવણ માસ દરમિયાન અહીં એક મહિના સુધી ભવ્ય મેળો ભરાય છે .જેને લઈને મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરી મેળાની મજા પણ માણતા હોય છે.
અપીલ કરવામાં આવી : હાલમાં શરૂ થયેલા પવિત્ર શ્રાવણ મહિનાને લઈને બીલીમોરા સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના પરિસરમાં બોર્ડ લગાવી અને સોમનાથ મહાદેવ મંદિરના દર્શન આવતા ભાઈઓ બહેનોને ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં પ્રવેશ ન કરવા બાબતે અપીલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી ટૂંકા વસ્ત્રો પહેરવાનો ટ્રેન્ડ વધતો જાય છે ત્યારે હિન્દુ દેવીદેવતાઓના પવિત્ર મંદિરોમાં આ પ્રકારના વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મુકાઇ રહ્યો છે. અન્ય મોટા મંદિરોના પગલે બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓએ કરેલો આ નિર્ણય સામે આવ્યો છે.
- Kheda News : ડાકોર મંદિરમાં દર્શન માટે જતાં પહેલાં જાણવું જરુરી, ટૂંકા વસ્ત્રો નહીં પહેરાય
- Devbhumi Dwarka : દ્વારકાધીશ મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંધ, જો કોઈ ટૂંકા વસ્ત્રો પહેરીને આવશે તો...
- Uttarakhand News: ઉત્તરાખંડના ત્રણ મોટા મંદિરોમાં ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ