અનેક શહેરીજનો થયા ઈજાગ્રસ્ત નવસારીઃરાજ્યભરમાં રખડતા ઢોરના ત્રાસના કારણે લોકો ત્રાહીમામ્ પોકારી ચૂક્યા છે. ત્યારે આ સમસ્યાથી નવસારી જિલ્લો પણ બાકાત નથી. અહીં બેજવાબદારીપૂર્વક પોતાના ઢોરને છોડી મુકતા પશુપાલકો પર હવે પાલિકાની ગાજ વરસી છે. અહીં નગરપાલિકાએ યુદ્ધના ધોરણે રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ ચલાવતા શહેરીજનો ફૂટપાથ પર આઝાદીથી ચાલી શકશે.
આ પણ વાંચોVadodara Corporation: રખડતા ઢોરને પ્રથમવાર CCTVથી સ્કેન કરી માલિકોની સામે પોલીસ કેસ
અનેક શહેરીજનો થયા ઈજાગ્રસ્તઃ નવસારી વિજલપોર નગરપાલિકામાં રખડતા ઢોરોએ શહેરીજનોના નાકમાં દમ કરી નાખ્યો છે. યમરાજના દૂત બની આખલાઓ રસ્તા વચ્ચે યુદ્ધ રમે છે, જેની ટક્કર વાગતા ભૂતકાળમાં અનેક શહેરીજનોના પગ અને કમર ભાંગી ચૂક્યા છે. આ અંગેની પોલીસ ફરિયાદો પણ નોંધાઈ છે. શહેરીજનોની ફરિયાદોની હારમાળા સામે પાલિકાએ છેલ્લા 2 દિવસથી 2 ટીમ કામે લગાડીને ઢોર પકડવાની ઝૂંબેશ હાથ ધરી છે.
પાલિકાએ કરી વ્યવસ્થાઃ અત્યાર સુધી નગરપાલિકાએ પકડાયેલા ઢોરને ખડસૂપા પાંજરાપોળ મૂકવામાં આવતા હતા, પરંતુ ત્યાં જગ્યા ઓછી પડતા હવે કૃષિ યુનિવર્સિટીના સહયોગથી સુલતાનપુર ગામે પણ ઢોર પહોંચાડવાની વ્યવસ્થા પાલિકાએ કરી છે.
આ પણ વાંચોAhmedabad : રખડતા ઢોરને પકડવા 21 ટીમ, છતાં છુટક છવાયા ઢોર હાથ લાગે
સમસ્યાના કાયમી નિકાલની માગઃ નગરપાલિકાની આ ઝૂંબેશ સામે બેજવાબદાર પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. નગરપાલિકા પશુપાલકો સામે કડક કાર્યવાહી કરવાના મિજાજમાં દેખાઈ રહી છે. સૌપ્રથમ વખત ઢોર પકડ્યા બાદ પશુપાલકો પાસે બાંહેધરી ખત લેવામાં આવશે અને તેમાં પણ જો નિયમોનું પાલન ન થાય તો પોલીસ ફરિયાદ કરવા સુધી કાર્યવાહી કરવામાં આવશે. જોકે, વિપક્ષ પણ મોડેમોડે જાગેલા નગરપાલિકાની કામગીરીથી સંતોષ તો અનુભવે છે, પરંતુ આ સમસ્યાનો કાયમી નિકાલ આવે તેવી માગ કરી રહ્યા છે.
શહેરીજનોનો ભય દૂર થાય તે જરૂરીઃ એક તરફ નવસારી એ મહાનગરપાલિકા બને તેવી શહેરીજનો અપેક્ષા રાખી રહ્યા છે. બીજી તરફ રખડતાં ઢોરની સમસ્યા નગરપાલિકાની સામે સમસ્યા ઊભી કરી રહ્યું છે. દરેક વિકસિત શહેરનો માપદંડ શહેરીજનોની સુરક્ષા અને સ્વચ્છતા ઉપર નિર્ભર કરતી હોય છે. જોકે, નવસારી શહેરમાં શહેરીજનો રોડ પર ચાલતા હાલમાં ક્યારે આંખલાનો ભોગ બને અને ઇજાગ્રસ્ત થાય તેવો ડર અનુભવી રહ્યા છે તે દૂર થાય તે જરૂરી છે.