નવસારીઃસામાન્ય રીતે વ્યક્તિ વ્યક્તિને દગો આપે, તેની સાથે ગદ્દારી કરે તે વાત તો સામાન્ય છે, પરંતુ એક ચોર બીજા ચોર મિત્ર સાથે ગદ્દારી કરે તેવો અવનવો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી તેમને જેલહવાલે કર્યા હતા.
આ પણ વાંચોPower theft: વીજચોરી પકડવા ગયેલી ટીમ પર હુમલો થતા સ્થાનિકો મેદાને, પુરવઠો બંધ કર્યો
26 લાખના મોબાઈલની ચોરીઃ આ અંગે મળતી માહિતી અનુસાર, મોબાઈલ ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં મળેલા 2 મોબાઈલ ચોરો વચ્ચે મિત્રતા બંધાઈ હતી. ત્યારબાદ બંનેએ ભેગા મળી નવસારીના ચિખલી ખાતે આવેલા ભાટિયા મોબાઈલ શોપમાંથી 29.61 લાખ રૂપિયાની ચોરી કરી હતી.
ચોર મોબાઈલ લઈ અમદાવાદ પહોંચ્યા હતાઃ આ ચોરેલા મોબાઈલ લઈ ટ્રેનમાં અમદાવાદ પહોંચ્યા હતા, પરંતુ જે મિત્ર મોબાઈલ ખરીદવાનો હતો. એણે જ પોલીસને બાતમી આપતા અમદાવાદ LCBએ અમદાવાદ પ્લેટફોર્મ ફિલ્ડીંગ ગોઠવી હતી, જ્યાં ચોરોની ફૂટેલી કિસ્મત કે પ્લેટફોર્મ પર ઈયર ફોન પડી જતાં એક ચોર પોલીસના હાથે ચડ્યો અને સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો. બંને રીઢા આરોપીઓ સામે અગાઉ પાંચથી વધુ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
જેલમાં પણ ન સુધર્યા આરોપીઓઃ આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં રહેતો રોનક ઝાલા મોબાઈલ ચોરીના ગુનામાં અમદાવાદની સાબરમતી જેલમાં હતો. તે દરમિયાન મૂળ ઉત્તરપ્રદેશના આસિફ સૈયદ મહેસાણાના કલોલમાં મોબાઈલ ચોરીના ગુનામાં પકડાયો હતો. તે આરોપીને પણ સાબરમતી જેલમાં મોકલવામાં આવ્યો હતો. જેલમાં આરોપી રોનક અને આસિફ બંને મોબાઈલ ચોરોની મિત્રતા થઈ હતી અને બહાર નીકળી એકસાથે કોઈ મોટી ચોરીને અંજામ આપવાનો પ્લાન ઘડ્યો હતો.
જાન્યુઆરીમાં ઘડ્યો ચોરીનો પ્લાનઃ ગત જાન્યુઆરીમાં આરોપી રોનક ઝાલા બસમાં વલસાડ ગયો હતો. ત્યારે ચિખલી એસટી ડેપોથી નીકળતા તેના ધ્યાનમાં ભાટિયા મોબાઈલ શોપ આવી અને તેની રેકી કરી તો શોપની પાછળ ખૂલ્લી જગ્યા હોવાનું જણાયું હતું, જેથી આરોપી રોનકે અમદાવાદના એક મિત્ર સાથે જેલના મિત્ર આસિફનો સંપર્ક કરી ચોરીનો પ્લાન બનાવ્યો હતો. તે પ્લાન મુજબ આસિફ યુપીથી 28 જાન્યુઆરીએ પોતાના મિત્ર રિયાઝ સાથે રોનકને મળ્યો અને તેઓ વલસાડના વાપીની હોટેલમાં રોકાયા હતા. જ્યાંથી સાંજના સમયે રોનક અને આસિફ મોબાઈલ રિપેરીંગ કરાવવાના બહાને ભાટિયા મોબાઈલમાં ફરી રેકી કરી હતી અને પાછળના ભાગે જઈ લોખંડની પરાઈ છૂપાવી ગયા હતા.
મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યાઃ ત્યારબાદ મોડી રાત્રે બંને ભાટિયા મોબાઈલના પાછળના ભાગે જઈ પરાઈ વડે દુકાનમાં બાકોરૂ પાડ્યું હતું. બાકોરૂં પાડતા કોઈને અવાજ ન આવે એટલા માટે રસ્તા પરથી વાહન પસાર થાય ત્યારે જ દિવાલમાં પરાઈ મારતા હતા. બાકોરૂં પાડ્યા બાદ આસિફ સૈયદ દુકાનમાં પ્રવેશ્યો હતો અને દુકાનમાંથી મોબાઈલ ચોરી કરી રોનકને આપ્યા હતા. ચોરેલા મોબાઈલ લઈ બંને એક જ બસમાં અલગ અલગ બેસી વાપી ગયા હતા અને ત્યાંથી રિયાઝ સાથે ટ્રેનમાં અમદાવાદ જવા નીકળ્યા હતા. દરમિયાન રોનકે અમદાવાદના તેના મિત્ર, જે મોબાઈલ ખરીદવાનો હતો તેને ફોન કરી તેઓ આવતા હોવાનું જણાવ્યું હતુ. પરંતુ અહીં કોઈક વાતે વાંકું પડતા મિત્રએ રોનક ચોરીના ફોન લઈ આવતો હોવાની બાતમી અમદાવાદ LCB ને આપી દીધી હતી.
પોલીસે રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરીઃ પ્લાન મુજબ, આસિફ અને તેનો સાથી રિયાઝ મોબાઈલ લઈને મણીનગર ઉતર્યો હતો અને રોનક ઝાલા આગળ અમદાવાદ સ્ટેશનને ઉતર્યો હતો. બાતમીને આધારે પોલીસ પહેલેથી જ પ્લેટફોર્મ પર હતી, પણ રોનક પોલીસ સામેથી શાંતિથી પસાર થઈ ગયો હતો, પરંતુ રોનકના ઈયરફોન પોલીસ ઊભી હતી ત્યાં જ પડી ગયા હતા, જેથી રોનક ફરી ઈયરફોન લેવા જતા પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે આસિફ અને રિયાઝને પણ ઝડપી પાડ્યા હતા. સમગ્ર મુદ્દે પકડાયેલા મોબાઈલ ચિખલીથી ચોરાયેલા હોવાનું જણાતા અમદાવાદ LCBએ ચિખલી પોલીસને જાણ કરી હતી. ચિખલી પોલીસે અમદાવાદથી ત્રણેય આરોપીઓનો ટ્રાન્સફર વોરન્ટ કબજો મેળવી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે.
આ પણ વાંચોVadodara Crime : વડોદરામાં લાખોની મતા ઘડીકમાં ચોરાઈ ગઇ, નાનકડી ભૂલે મોટું નુકસાન કરાવ્યું
ચોરીનો ભેદ ઉકેલાયોઃ ચિખલીમાં ભાટિયા મોબાઈલ શોપમાંથી ચોરેલા મોબાઈલ સાથે પકડાયેલા આરોપી રોનક ઝાલા સામે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ 7 ગુનાઓ નોંધાયા છે. જ્યારે આરોપી આસિફ સૈયદ સામે પણ 5 ગુના નોંધાયા હોવાનું ખૂલ્યું છે. ત્યારે બંનેએ રાજ્ય બહાર કોઈ ગુના આચર્યા છે કે, કેમ એની કડી શોધવાના પોલીસ પ્રયાસ કરી રહી છે. જ્યારે મોબાઈલ ચોરી કરી, તેને ઓછા ભાવમાં વેચી દેતા હોવાનું પણ સામે આવ્યું છે, પરંતુ ગદ્દાર મિત્રને કારણે ચોરો પોલીસને હાથે ઝડપાઈ ગયા અને લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો હતો.