ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીની આધેડ મહિલાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક, બીભત્સ ફોટા મુકાયા

લોકડાઉનના સમયમાં સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી બ્લેકમેલ કરીને હેકરો તગડી રકમ માગતા હોવાની ઘટનાઓ સામે આવી છે. નવસારીની આધેડ મહિલાનું બે વર્ષ અગાઉ બિનઉપયોગી થયેલું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેકરે હેક કરી,તેના પર બીભત્સ ફોટો અપલોડ કરી, મહિલાને બદનામ કરી બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અજાણ્યા હેકર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

નવસારીની આધેડ મહિલાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક
નવસારીની આધેડ મહિલાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક

By

Published : May 23, 2021, 11:52 AM IST

  • બે વર્ષ અગાઉ ઇનએક્ટિવ થયેલું એકાઉન્ટ હેક કરાયું
  • સંબંધીએ એકાઉન્ટમાં બીભત્સ ફોટો હોવાનું જણાવતા, મહિલાએ કરી પોલીસ ફરિયાદ
  • પોલીસે સાઇબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી તપાસ આરંભી

નવસારીઃ પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક 52વર્ષીય આધેડ મહિલા લાંબા સમયથી સોશિયલ મીડિયામાં એક્ટિવ હતી. પરંતુ વર્ષ 2019માં કોઈક કારણોસર તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇનએક્ટિવ થયું હતું. સભ્ય પરિવારની આ મહિલાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેકર હેક કરી બીભત્સ ફોટા અપલોડ કર્યા હતા. સાથે હેક કરેલા એકાઉન્ટથી મહિલાના સંબંધીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ પણ મોકલવામાં આવી હતી.

આ પણ વાંચોઃઝૂમ એપ્લિકેશન ખતરાની ઘંટી : સુરતના સોફ્ટવેર ડેવલોપરનું એકાઉન્ટ હેક કરી 12 લાખની ખંડણીની માંગ

મહિલાને પોતાના એક્ટિવ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કંઈપણ અજુગતું લાગ્યું ન હતું

સંબંધીઓ દ્વારા રિકવેસ્ટ એક્સેપ્ટ કરતા, તેમાં બીભત્સ સામગ્રી જોતા તેમણે મહિલાને જાણ કરી હતી. પ્રથમ તો મહિલાને પોતાના એક્ટિવ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કંઈપણ અજુગતું લાગ્યું ન હતું. પરંતુ બે વર્ષ અગાઉ ઇનએક્ટિવ થયેલા એકાઉન્ટને તપાસતા એમાં બીભત્સ ફોટા સાથે માહિતી પણ અપલોડ કરવામાં આવી હોવાનું જણાયું હતુ.

નવસારીની આધેડ મહિલાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક, બીભત્સ ફોટા મુકાયા

મહિલાએ તાત્કાલિક જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

એકાઉન્ટમાં મોબાઈલ નંબર પણ હોવાથી અજાણ્યા નંબર પરથી બિભત્સ માગણીઓ સાથેના ફોન પણ આવવા લાગ્યા હતા. જેથી મહિલાએ તાત્કાલિક જલાલપોર પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે સાઇબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધી આરોપી હેકરનું પગેરૂ શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

હેકરે પાસવર્ડ આપવા માટે કરી રૂપિયાની માગ

મહિલાના જણાવ્યા અનુસાર, 20મેના બપોરે તેમના સંબંધી તરફથી તેમને તેમનું એકાઉન્ટ હેક થયાની જાણ થઈ હતી. ત્યારબાદ તેમના મોબાઇલ ફોન પર બિભત્સ માગણીઓ સાથેના ફોન પણ આવ્યા હતા. જ્યારે વ્હોટ્સ એપ કોલ પણ આવતા તેઓ ચિંતામાં મુકાયા હતા. જ્યારે વોહટ્સ એપ પર હેક થયેલા એકાઉન્ટનો આઈડી પાસવર્ડ આપવાનો મેસેજ પણ આવ્યો હતો.

આ પણ વાંચોઃરાજકોટ રેન્જ IGનું ફેસબુક એકાઉન્ટ હેક, મિત્રો પાસેથી નાણાંની માંગણી કરાઈ

IP એડ્રેસની મદદથી હેકર સુધી પહોંચવાની તૈયારી આરંભી છે

તેમને બ્લેકમેઈલ કરી હેકર રૂપિયા પડાવવાનો હોવાનું જણાવ્યું હતુ. જો કે, મહિલાએ તેના પુત્રની મદદથી તાત્કાલિક નવસારી જલાલપોર પોલીસ અને LCB પોલીસને ફરિયાદ કરતા પોલીસે સાઈબર ક્રાઈમ હેઠળ ગુનો નોંધી, માહિલાના ઇનએક્ટિવ સોશિયલ એકાઉન્ટને સસ્પેન્ડ કરવા માટેની વિનંતી કરવા સાથે જ IP એડ્રેસની મદદથી હેકર સુધી પહોંચવાની તૈયારી આરંભી છે.

સમગ્ર પ્રક્રિયા અમેરિકાથી થતી હોવાથી થોડો સમય જશે

સમગ્ર મુદ્દે નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.રાણાએ જણાવ્યું હતું કે, પીડિત મહિલાની ફરિયાદને આધારે સાઇબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધ્યો છે. ઇનએક્ટિવ એકાઉન્ટને એક્ટીવ કરી ગુનો કરવામાં આવ્યો છે, જેથી એકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે સોશિયલ મીડિયા સાઈટની હેડ ઓફિસમાં મેલ કરવામાં આવ્યો છે. પરંતુ સમગ્ર પ્રક્રિયા અમેરિકાથી થતી હોવાથી થોડો સમય જશે. જો કે, આરોપીને પકડવા માટે તપાસ ચાલી રહી છે.

ABOUT THE AUTHOR

...view details