નવસારી : ગણદેવીના વાઘરેચ ગામે ખાનગી જમીનમાં ગેરકાયદેસર રીતે શરૂ થયેલા માટી પુરાણના કારણે 100 વર્ષ જૂની વરસાદી કાંસ બંધ થતા ગ્રામજનોએ એકસંપ થઈ માટી પુરાણની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કારણ કે, ભવિષ્યમાં વાઘરેચ ગામ મોટી રેલનો સામનો કરશે અને લોકોએ જાનમાલની નુકશાની વેઠવાનો વારો આવશે.
શું છે સમગ્ર માહોલ : અંબિકા નદીના કિનારે વસેલું વાઘરેચ ગામ ગણદેવી તાલુકાના કાંઠાના ગામોનું એક છે. બીલીમોરા શહેરને નજીક આવેલું વાઘરેચ ગામમાંથી જ બીલીમોરા વલસાડ કોસ્ટલ હાઇવે પસાર થાય છે. જેના કારણે અહીંથી સતત વાહનોની અવરજવર રહે છે. કોસ્ટલ હાઇવેને નજીક વાઘરેચના ખેડૂતોની જમીન આવી છે, જેની સાથે જ વરસાદી પાણીના નિકાલ માટેની કુદરતી કાંસ પણ વર્ષોથી કાર્યરત છે. હાલમાં વાઘરેચ ગામની બ્લોક સર્વે નં. 341 વાળી જમીન રણછોડ પટેલ નામના વ્યક્તિએ લઈને જમીનમાં કોસ્ટલ હાઇવેથી અંદાજે 10 ફૂટ નીચેથી માટી પુરાણ કરી જમીન હાઇવેને સમતળ કરાવવાની કામગીરી થઇ રહી છે.
ગ્રામજનોમાં રોષ : મળતી માહિતી મુજબ માટી પુરાણ માટે ગ્રામ પંચાયત કે તંત્રના કોઈ સક્ષમ અધિકારીની મંજૂરી ન લેવાની વાત સામે આવી છે. ખેતીની જમીન બિન ખેતીની પણ કરવામાં નથી આવી રહી. તો બીજી તરફ માટી પુરાણને કારણે 100 વર્ષથી ચાલી આવતી કુદરતી કાંસમાં અવરોધ ઊભો થયો છે. જેથી બીલીમોરા શહેર તેમજ તેની આગળના ગામડાઓમાંથી આવતું વરસાદી પાણી ચોમાસામાં અવરોધાશે. જેને કારણે ગામની 200 વીઘા જમીન તેમજ અનેક ફળિયાના ઘરોમાં 15થી 20 ફૂટ પાણી ભરાવાની સંભાવના વધી શકે છે. જેથી ગ્રામજનોએ માટી પુરાણ અટકાવવાના પ્રયાસો કર્યા પણ ડેવલપર દ્વારા જો હુકમી થાય તે કરી લેવાની ધમકી આપતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો છે.
કાયદો હાથમાં લેવાની તૈયારીમાં : વાઘરેચ ગામે બ્લોક સરવે નં. 341 વાળી જમીનમાં ગેરકાયદેસર રીતે થઈ રહેલા માટી પુરાણ મુદ્દે ગ્રામસભામાં ઠરાવ કરી માટી પુરાણ અટકાવવા સરપંચને તમામ સત્તા આપવામાં આવી છે. જેની સાથે જ જિલ્લા કલેકટરને સ્થિતિ અંગેની માહિતી સાથે આવેદનપત્ર પણ આપવા આવ્યુ અને ત્યારબાદ મામલતદારને પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં આક્રોશ વધી રહ્યો છે. ગ્રામજનો દ્વારા જો તંત્ર કે લોક પ્રતિનિધિઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવે, તો વાઘરેચ ટાઇડલ ડેમની કામગીરી અટકાવવાની ચેતવણી સાથે જ ગાંધી ચિંધ્યા માર્ગે અથવા તો કાયદો હાથમાં લઈને પણ માટી પુરાણની કામગીરી અટકાવવાની તૈયારી કરી છે.