નવસારી: જિલ્લામાં આવેલો ચીખલી તાલુકા વાંસદા જંગલ વિસ્તારથી ભરપૂર છે. આ વિસ્તારમાં સમયાંતરે હિંસક પશુઓ ગ્રામ્ય વિસ્તારોમાં કે જાહેર માર્ગો પર લટાર મારતા હોય એવા દ્રશ્યો સમાંતર એ કેમેરામાં કેદ થતા હોય છે. હાલ તો જંગલોના નિકંદનને કારણે વન્યજીવો પોતાનું અસ્તિત્વ ટકાવવા અને ખોરાકની શોધમાં માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. નવસારી જિલ્લાને અડીને આવેલા ડાંગ જિલ્લા માં વિશાળ જંગલ વિસ્તાર હોય પરંતુ પાણી અને ખોરાક ના અભાવે ત્યાંથી દીપડા જેવા હિંસક પ્રાણીઓ નવસારીના વાંસદા અને ચીખલી વિસ્તારો તેઓને માફક આવી રહ્યા હોય તેમ અહીંના વિસ્તારોમાં દીપડાઓની દેખાદેવી હવે એક સામાન્ય વાત બની ગઈ છે.
ખેડૂતોને ડર:ચીખલીના કાંગવાઈ ગામે પણ એક કદાવર દીપડી પોતાના બચ્ચાઓ સાથે ખેડૂત પરિમલ પટેલના ખેતરમાં વાડની નજીક બેઠી હતી. આમ તો આવા હિંસક પશુઓ રાત્રિના સમયે જ દેખા દેતા હોય છે, પરંતુ દિવસે પોતાના પરિવાર સાથે દીપડી ખેતરમાં દેખા દેતા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. પોતાના પરિવાર સાથે બેઠેલી દીપડીનો વિડિયો પરિમલ પટેલે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. પોતાના બચ્ચા સાથે ધોળા દિવસે દીપડી દેખાતા ખેડૂતે વન વિભાગને જાણ કરી છે. દિવસ દરમિયાન જ આવા હિંસક પશુઓ ખેતરમાં જોવા મળતા હાલ ખેડૂતો ખેતરમાં જવાથી પણ ડરી રહ્યા છે.
આંબાવાડીમાં દીપડા:નવસારીના પૂર્વમાં આદિવાસી વિસ્તારમાં જંગલ ઓછા થઈ જવાને કારણે દીપડા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડે છે. ખાસ કરીને શેરડી અને ડાંગરના ખેતરમાં વસવાટ કરે છે. પણ છેલ્લા કેટલાક કિસ્સાઓમાં ચીકુ તેમજ આંબાવાડીમાં દીપડા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને નદી અને કોતરો તેને રહેવા માટે અનુકૂળ હોય છે. આ સાથે અહીં શિકાર પણ સરળતાથી મળી રહે છે.ખાસ કરીને નવસારી જિલ્લાના પૂર્વના વિસ્તારના ગામોમાં ઘણીવાર દીપડાઓ રસ્તાઓ, હાઇવે તેમજ કોઈના ખેતર કે ઘરની દિવાલો પર લટાર મારતા જોવા મળી જાય છે.
ચોક્કસ સમયે ફરતો: બીજી તરફ દીપડા દેખાતા જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગે પાંજરૂ મૂકી દિપડાને પકડી વાંસદા નેશનલ પાર્કમાં છોડી દીધાના કિસ્સા છે. એકલો રહેવા ટેવાયેલા દીપડાનેશનલ પાર્કમાં અન્ય દીપડાની ટેરેટરી સાથે મેચિંગ થતું નથી. એવું વાઈલ્ડ લાઈફના નિષ્ણાતો જણાવે છે. વાંસદા તાલુકાના ઘણાં ગામમાં દીપડો ચોક્કસ સમયે ફરતા જોવા મળે છે.