નવસારી : આ વર્ષે સમગ્ર ગુજરાતમાં સમાયઅંતરે કમોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે. જેમાં નવસારી જિલ્લો પણ બાકાત રહ્યો નથી. નવસારી જિલ્લામાં પણ કમોસમી વરસાદને કારણે કેરી પાકને ઘણું નુકસાન થયું છે. તેમ છતાં અહીંના ખેડૂતો હાર ન માની કંઈકને કંઈક ખેતીમાં નવીનતા કરતા હોય છે. ત્યારે નવસારીના એક ખેડૂતે મૂળ સૌરાષ્ટ્રની જમ્બો કેસર કેરીનું પ્રથમ વાર વાવેતર કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે. આ ઉપરાંત એક કિલોગ્રામ જેટલા ફળના સાઈઝના કારણે ગ્રાહકો પણ પસંદ કરી રહ્યા છે.
શું છે સમગ્ર વાત : નવસારી જિલ્લામાં કેરીની વાત કરવામાં આવે તો કેસર, હાફૂસ, રાજાપુરી, લંગડો, સોનપરી, દશેરી જેવી કેરીઓનો પાક લેવામાં આવે છે. પરંતુ વાંસદા તાલુકાના ચાંપાલધરા ગામના ખેડૂત મનસુખ ભીંગરાડીયાએ પોતાની વાડીમાં કંઈક નવીનતા કરી છે. નવસારી જિલ્લામાં તેઓએ પ્રથમ મૂળ સૌરાષ્ટ્રની જમ્બો કેસર કેરીની કલમને સૌરાષ્ટ્રથી મંગાવી પોતાની વાડીમાં સફળ વાવેતર કરી મબલખ પાકનું ઉત્પાદન કર્યું છે. છેલ્લા બે વર્ષથી વાતાવરણની અસરને કારણે કેરી પાકમાં ઘણું નુકસાન થયું છે, પરંતુ મનસુખ ભીંગરાડીયાએ જણાવ્યા પ્રમાણે જમ્બો કેસરના પાક પર કોઈ અસર જોવા મળી નથી અને ઉત્પાદન પણ સારું મળ્યું છે.
આ કેરીને જમ્બો કેસર નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે સામાન્ય કેસર કેરીનું ફળ 400થી 500 ગ્રામ સુધીનું હોય છે, જ્યારે આ જમ્બો કેસર કેરીનું ફળ એક કિલોગ્રામ સુધીનું થાય છે. જેથી એ સામાન્ય કેસર કેરી કરતા ડબલ હોય છે. તેથી આને જમ્બો કેસર તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહકો પણ જમ્બો સાઇઝનું ફળ જોઈને આકર્ષાય છે. જે એની મોટી ખૂબી છે. તો બીજી તરફ સામાન્ય કેરીના ગોટલાઓ મોટા હોય છે અને ફળનો માવો ઓછો હોય છે, પરંતુ આ જમ્બો કેસર કેરીમાં ગોટલો ખૂબ નાનો હોય છે અને ફળનો માવો વધુ હોય છે. મોટું ફળ હોવા છતાં પણ આની મીઠાશ ઓછી થતી નથી. જેથી બજારમાં આ કેરીની કિંમત સારી આવે છે અને ગ્રાહકોમાં પણ સારી માંગ ઉઠી છે.- મનસુખ ભીંગરાડીયા (ખેડૂત)