ડીપી અને ટીપી વિહોણા વિજલપોર શહેરમાં બાંધકામનો પ્રશ્ન વિકટ છે. જેમાં વર્ષો અગાઉ વિજલપોરના સર્વે નં. 1 અને હાલની સર્વે નં. 563 વાળી જમીન જે સરકારી ગૌચરની જમીન પર કોમ્યુનીટી હૉલ બનાવ્યો હતો. ત્યારબાદ તેના ઉપર માળ બનાવી પાલિકા કચેરી બનાવી કાર્યરત કરી હતી. જોકે પાલિકાએ કોમ્યુનીટી હોલની બાજુની જગ્યામાં બે વર્ષ અગાઉ પાલિકાનું પોતાનુ મકાન બનાવવા સરકારમાં દરખાસ્ત કરી 1.46 કરોડ રૂપિયાની મ્યુનીસીપાલીટી નિયામક પાસેથી વહીવટી મંજુરી મેળવી હતી અને કામ શરૂ કર્યુ હતુ. જોકે હવે સરકારી ગૌચર જમીનને લઈને ગુજરાત ફાયનાન્સ બોર્ડ દ્વારા ક્વેરી કાઢી છે અને પાલિકા જમીન પોતાના નામે કરાવે પછી જ ગ્રાંન્ટ રીલીઝ કરવાની વાત કરતા પાલિકાના સાશકો દોડતા થયા છે. પાલિકાએ કલેક્ટરને રજૂઆત કરતા જલાલપોર મામલતદારને તપાસ સોંપાઇ છે. આ વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં ગૌરક્ષકોએ પાલિકા ગૌચરની જમીન પર હોવાનું જાણતા જ જિલ્લા કલેકટરને રજૂઆત કરી પાલિકાના નિર્માણાધિન સ્ટ્રકચરને ગૌચર જમીનમાંથી દુર કરવાની માંગણી ઉચ્ચારી છે.
નવસારીના ગૌરક્ષકોએ ગૌચરમાં બની રહેલી પાલિકાની મંજૂરી રદ્દ કરવાની માંગણી ઉચ્ચારતા નવો વિવાદ સર્જાયો - પાલિકા
નવસારીઃ ગૌચર જમીનમાં બની રહેલી વિજલપોર પાલિકાની નિર્માણાધીન ઇમારતનુ કામ રાજ્ય ફાયનાન્સ બોર્ડે ગ્રાન્ટ અટકાવતા પાલિકા જમીન પોતાને નામે કરાવવા દોડી રહી છે. ત્યાં નવસારીના ગૌરક્ષકોએ ગૌચરમાં બની રહેલી પાલિકાની મંજૂરી રદ્દ કરવાની માંગણી ઉચ્ચારતા નવો વિવાદ સર્જાયો છે.
વિજલપોર પાલિકા દ્વારા સરકારમાં રજૂઆત કરી છે. જેમાં ગૌચર જમીન વર્ષો પૂર્વે સરકારમાંથી પાલિકાના વહિવટ માટે જ મેળવી હતી. જેથી જમીન પાલિકાના ઉપયોગમાં જ લેવાશે. જોકે મંજુરી મળ્યા બાદ ક્વેરી નિકળી છે. જેમા અન્ય જગ્યા શોધી ગૌચરને આપવાનું વિચારવામા આવી રહ્યુ હોવાની ચર્ચા પણ ઉઠી છે. જ્યાં સરકાર ગૌચર જમીન અને ગૌવંશની રક્ષા માટે સતર્ક બની છે અને કડક કાયદો પણ બનાવ્યો છે. પરંતુ અહીં સરકારની જ પાલિકા દ્વારા ગૌચર જમીન ઉપર દબાણ કરવામાં આવ્યુ છે. ત્યારે ગૌરક્ષકોમાં રોષ છે અને વિજલપોર પાલિકા મુદ્દે આંદોલનના મુડમાં છે. જેથી હવે વિજલપોર પાલિકાનું નવુ મકાન બને છે કે અન્યત્ર ખસેડવામાં આવે છે તે જોવાનું રહ્યું છે.