- જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુ આહીરે 1007.35 કરોડનું બજેટ રજૂ કર્યુ
- 30.50 કરોડની જિલ્લા પંચાયતની આવક સામે સરકારી ગ્રાન્ટ આધારિત જાયન્ટ બજેટ રજૂ કરાયુ
- બજેટમાં શિક્ષણ અને આરોગ્ય સેવાઓ ઉપર અપાયો ભાર
- બે વર્ષમાં જિલ્લા પંચાયતનું બજેટમાં થયો 100 કરોડનો વધારો
નવસારી : જિલ્લા પંચાયતના સભાખંડમાં આજે નવનિયુક્ત પ્રમુખ ભીખુ આહીરની અધ્યક્ષતામાં યોજાયેલી વિશેષ બજેટ સભામાં વર્ષ 2021- 22 માટે 1007.35 કરોડનું પંચાયતના ઇતિહાસનું જાયન્ટ બજેટ રજૂ કર્યુ હતુ. 30.50 કરોડની આવક ધરાવતી નવસારી જિલ્લા પંચાયતે 939.06 કરોડની સરકારી ગ્રાન્ટ મળવાની અપેક્ષાએ મસમોટું બજેટ રજૂ કરાયું હતું. જેમાં શિક્ષણ અને આરોગ્ય ઉપર વિશેષ ભાર આપવા સાથે જ જાહેર બાંધકામ, સિંચાઈ, ખેતીવાડી સાથે જ અન્ય વિકાસ કામોના માટે 12 કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે ગત બે વર્ષોના બજેટની સરખામણીમાં આ વર્ષના બજેટમાં 100 કરોડનો વધારો જોવા મળ્યો હતો.
નવસારી જિલ્લા પંચાયતનું 2021- 22નું બજેટ હજાર કરોડને પાર આ પણ વાંચો :બારડોલી તાલુકા પંચાયતનું 72.83 કરોડનું બજેટ મંજુર
પ્રમુખે પોતાના બજેટને સર્વાંગી વિકાસલક્ષી બજેટ ગણાવ્યું
જિલ્લા પંચાયત પ્રમુખે પોતાના બજેટને સર્વાંગી વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતુ. ઉલ્લેખનિય છે કે, બજેટ સભામાં કોંગ્રેસના ત્રણ સભ્યો હોવા છતાં કોઈ ચર્ચા કે પ્રશ્નોત્તરી પણ કરવામાં આવી ન હતી. જેની સામે વાંસદા બેઠકના સભ્ય શિવેન્દ્રસિંહ સોલંકીએ વધુ વસ્તી ધરાવતા ગામડાઓમાં પ્રધાનમંત્રી આવાસ ઓછા ફળવાતા હોવાની ફરિયાદ કરી, વધુ આવાસ ફાળવવામાં આવે એવી માંગણી કરી હતી.
આ પણ વાંચો :ભુજ નગરપાલિકા દ્વારા 1.24 અબજનું બજેટ રજૂ કરાયું
નવસારી જિલ્લા પંચાયતની 8 સમિતિઓના પ્રમુખોની કરાઈ વરણી
નવસારી જિલ્લામાં આજે શુક્રવારે મળેલી વિશેષ બજેટ સભાના આરંભે જ જિલ્લા પંચાયતની અલગ- અલગ 8 સમિતિઓની રચના સાથે જ તેના પ્રમુખોની પણ વરણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતની મહત્વની કારોબારી સમિતિના પ્રમુખ પદે વિનોદ પટેલ, જાહેર બાંધકામ સમિતિના પ્રમુખ પદે દિપા પટેલ, જાહેર આરોગ્ય સમિતિના પ્રમુખ પદે શંકર પટેલ, શિક્ષણ સમિતિના પ્રમુખ પદે દર્શના પટેલ, સિંચાઈ અને પશુપાલન સમિતિના પ્રમુખ પદે પરિમલ પટેલ, સામાજિક ન્યાય સમિતિના પ્રમુખ પદે અરવિંદ પાઠક, મહિલા, બાળ વિકાસ અને યુવા સમિતિના પ્રમુખ પદે ભારતી હળપતિ તેમજ અપીલ સમિતિનું સુકાન ખુદ પંચાયત ભીખુ આહીરે પોતાની પાસે રાખ્યુ છે.