નવસારીમાં દિવ્યાંગ બાળકોએ કલાત્મક રાખડી બનાવી તેનું વેચાણ શરૂ કર્યું નવસારી: રક્ષાબંધનના તહેવારને ગણ્યા દિવસ રહી ગયા છે. ત્યારે બજારમાં રંગબેરંગી રાખડીઓની કિંમત મોંઘી દાટ જોવા મળી રહી છે. બજારમાં મળતી રાખડીઓને પણ ઝાંખી પાડે તેવી ઉમદા રાખડી નવસારીના માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત સ્કૂલના દિવ્યાંગ બાળકોએ બનાવી છે. આ રાખડી બનાવનાર આપણા સમાજનો એવો વર્ગ છે. જે મુખ્ય ધારાથી અલગ છે. પરંતુ તેમનામાં છુપાયેલી સુષુપ્ત કળાને તેઓ સમયાંતરે ઉજાગર કરતા રહે છે. કુદરતે આપેલી શક્તિઓના સહારે તેઓ બનતા પ્રયાસ કરીને પોતાની જાતને સિદ્ધ કરે છે.
"દિવ્યાંગ બાળકો પોતાના જીવનમાં આર્થિક રીતે પગભર બને અને પોતાના પરિવાર સાથે રહી ફરી નોર્મલ જીવન જીવે તે હેતુસર તેઓને અલગ અલગ પ્રકારની તાલીમ આપી તેમને પગભર બનાવવામાં આવી રહ્યા છે. સાથે જ આવા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન વધારવા તેમના દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓ સૌ કોઈ ખરીદે તેવી આશા રાખવામાં આવી છે."-- શૈલેષ પટેલ શિક્ષક (માનવ કલ્યાણ ટ્રસ્ટ મમતા મંદિર)
ભવનમાં તાલીમ: આ દિવ્યાંગ બાળકો જીવનમાં આર્થિક રીતે પગભર થાય અને આત્મનિર્ભર બને તે હેતુસર શાળાના શિક્ષકો દ્વારા ઉદ્યોગ ભવનમાં તાલીમ આપવામાં આવે છે. તાલીમ આપીને આવા દિવ્યાંગ બાળકો જીવનમાં આર્થિક રીતે પગભર થાય જે તાલીમ લઈને આ બાળકો છેલ્લા સાત વર્ષથી સુંદર રાખડીઓ બનાવી તેનું વેચાણ કરે છે. જે દસ રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધીની ઉન મોતી અને મણકાની બનાવટની વિવિધ ડિઝાઇનો હોય છે. જેમાં નાના બાળકોને પસંદ આવે તેવી અવનવી રાખડીઓ પણ તૈયાર કરવામાં આવે છે. આ રાખડીઓ તૈયાર કરવામાં 20 જેટલા દિવ્યાંગ બાળકો જોડાયા છે. જેમાં એક બાળક અંદાજિત વીસ રાખડીઓ તૈયાર કરે છે.
રકમ સંસ્થાને અર્પણ:શાળામાં આવતા વિઝીટર અને અન્ય ગ્રાહકો આવીને ખરીદે છે. આ રાખડીની ખાસિયત એ છે કે બજારમાં મળતી મોંઘીદાર રાખડીઓ સામે દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડીઓ સંસ્થા દ્વારા સામાન્ય ભાવમાં વેચવામાં આવે છે. જેમાં સમગ્ર સિઝન દરમિયાન અંદાજે 500 રાખડીઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે. અન્ય વેપારી દ્વારા પણ રાખડીઓનો ઓર્ડર આપવામાં આવતા તેઓ રાખડી ઓર્ડર મુજબ બનાવી આપે છે. જેને બજારમાં સારી કિંમતે વેચવામાં આવે છે. આ રાખડીઓના વેચાણથી જે પણ રકમ મળે છે. તેને સંસ્થાને અર્પણ કરવામાં આવે છે.
- Rakhdi Artist of Bhuj- : ભુજની રાખડી આર્ટિસ્ટ યુવતીએ અભ્યાસની સ્કીલથી રેસિન આર્ટ બિઝનેસ જમાવ્યો, રાખડીઓની નવીનતા જૂઓ
- Raksha Bandhan 2023: તારીખ અને તિથિમાં અટવાઈ છે રક્ષાબંધન, જાણો કઈ તિથિ અને તારીખે બાંધવી રાખડી