નવસારી:મધ્યપ્રદેશથી દેશી તમંચા વેચાણ અર્થે લાવતા તારીખ 11 મી મે એ ત્રણ આરોપીઓને તમંચા સાથે SOG પોલીસે ઝડપ્યા હતા. જેમાં ત્રણ પૈકી એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં વોન્ટેડ આરોપીને એસ.ઓ.જી પોલીસ દ્વારા ઝડપી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો હતો. જેમાં આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોપીઓની ધરપકડ:નવસારીની એસઓજી પોલીસ દ્વારા ગત અઠવાડિયા દરમિયાન અનઅધિકૃત રીતે દેશી તમંચાના વેચાણ કરવાના આરોપસર ત્રણ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓના રિમાન્ડ માંગ્યા બાદ રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી જાણવા મળેલી હકીકત મુજબ બીજા એક પોલીસથી છુપાઈને ફરતા આરોપી શાહરૂખ શેખને આજે એસઓજી પોલીસ દ્વારા ઘેલખડી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ આરોપી શાહરૂખ શેખના કહેવા પ્રમાણે તેણે દેશી તમંચો મધ્યપ્રદેશથી લાવી નવસારીના વાઘા ભરવાડ નામના માથાભારે ઈસમને આપ્યો હોવાનું બહાર આવ્યું છે. નવસારી એસ.ઓ.જી પોલીસ દ્વારા આ આરોપીને નવસારી ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે. આ પ્રકરણની વધુ તપાસ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી દ્વારા કરવામાં આવી રહી છે.