નવસારી : ચીખલીના થાલા ગામ નજીક કેમિકલ ચોરીનો કારોબાર ધમધમતો થયો હતો. જે અંગેની ચીખલી પોલીસને બાતમીને આધારે છાપો મારતા ટેન્કરમાંથી ચોરી કરતા શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે 22.68 લાખ રૂપિયાનું કેમિકલ તેમજ ટેન્કર અને મારુતિ વાન સાથે કુલ 35,23,100નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરતું ટેન્કર ડ્રાઇવર ભાગી છૂટ્યો હતો.
નવસારીમાં ગુનાહિત પ્રવૃતિ : નવસારી જિલ્લામાં નેશનલ હાઇવે નંબર 48 પર રોડની બંને બાજુ હોટલનો બિઝનેસ ધમધમતો હોય છે. આ હોટલ પર જમવા માટે અથવા તો રોકાણ કરવા માટે કાર ચાલકો, ટ્રક ચાલકો અહીં થોભતા હોય છે. પરંતુ હાલ નેશનલ હાઇવે નંબર 48 પર ગેરકાયદેસર રીતે ચાલતા કામો પણ ધમધમતા થયા છે. ગતરોજ નવસારીના ખડસૂપાં ગામ પાસે આવેલી હોટલના પાછલા ભાગે સ્ટેટ વિજિલન્સની ટીમે છાપો મારી લાખોના ચોરીના સળિયા સગેવગે કરતા શખ્સોને ઝડપી પાડ્યા હતા. ત્યારે આવી જ રીતે કંપનીઓમાંથી ટ્રકોમાં મોંઘા કેમિકલ લઈ જતા ટ્રક ચાલકો પણ હોટલો પર રોકાણ કરી અહીં કેમિકલ ચોરી કરતા શખ્સો સાથે મળી ગેરકાયદેસર રીતે સગેવગે કરતા હોય છે.
એક શખ્સ ઝડપાયો : ખાસ કરીને તેઓ કોઈ હોટલો પર રાત્રિના સમયે રોકાણ કરી સમગ્ર ચોરીના કામને અંજામ આપતા હોય છે. રાત્રિનો સમય હોવાથી આવા શખ્સોને મોકળું મેદાન મળતું હોય છે, પરંતુ ગતરોજ ચીખલી પોલીસને મળેલી બાતમીને આધારે ચીખલી નેશનલ હાઇવે નંબર 48 પર થાલા ગામ પાસે આવેલી આઇ માતા હોટલના કમ્પાઉન્ડમાં પોલીસ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. અહીં સુરતના હજીરાના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાંથી મુંબઈ તરફ જતા ટેન્કરમાંથી પ્લાસ્ટિકના કેરબામાં એક શખ્સને કેમિકલ ખાલી કરી રહ્યો હતો. પોલીસે તપાસ કરતા આ કેમિકલ ચોરી થઈ રહ્યું હોવાનું જણાયું હતું. તેથી પોલીસે કેમિકલ ચોરતા થાલાના અજય ખટકીની ધરપકડ કરી હતી.