- જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયતોના ઉમેદવારોના નામ થયાં જાહેર
- નવસારી-વિજલપોર નગરપાલિકા અને ગણદેવી નગરપાલિકાના ઉમેદવારોના નામો થયાં જાહેર
- ભાજપના ઉમેદવારોના નામો જાહેર થતાં જ કહીં ખુશી-કહીં ગમ
નવસારી: સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાના શરૂ થયાં છે. જેના ત્રીજા દિવસે એટલે બુધવારે જિલ્લા ભાજપ દ્વારા જિલ્લા, તાલુકા પંચાયતો અને 2 નગરપાલિકાઓની કુલ 238 બેઠકો ઉપર પોતાના મહારથીઓના નામો જાહેર કરી ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી દીધું છે. ભાજપના નામો જાહેર થતાં ભાજપના કાર્યકર્તાઓમાં કહીં ખુશી-કહીં ગમનો માહોલ જોવા મળ્યો હતો.
નવસારી ભાજપે ઉમેદવારોના નામ જાહેર કર્યાં જિલ્લા ભાજપ પ્રમુખે ઉમેદવારોના નામો જાહેર કર્યાં
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે અને ચૂંટણી જંગ લડવા ઉમેદવારી નોંધાવવાની શરૂઆત સોમવારથી થઈ છે, પરંતુ 2 દિવસોમાં મુખ્ય રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા નહોતા, ત્યારે બુધવારે જિલ્લા ભાજપ દ્વારા નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકો, નવસારી તાલુકા પંચાયતની 16 બેઠકો, જલાલપોર તાલુકા પંચાયતની 20 બેઠકો, ગણદેવી તાલુકા પંચાયતની 24 બેઠકો, ચીખલી તાલુકા પંચાયતની 28 બેઠકો, ખેરગામ તાલુકા પંચાયતની 16 બેઠકો અને વાંસદા તાલુકા પંચાયતની 28 બેઠકો માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહે પ્રેસ કોન્ફરન્સ યોજી પોતાના ઉમેદવારો જાહેર કર્યાં છે. આ ઉમેદવારોના નામો જાહેર થતાં જ ભાજપમાં જ કહીં ખુશી-કહીં ગમની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે ઉમેદવારોના નામો જાહેર થતાંની સાથે જ અસંતુષ્ટ કાર્યકર્તાઓ ભાજપ કાર્યાલય ખાતે ઓહાપોહ ન મચાવે એ હેતુથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.