જર્જરીત મકાનની તોડફોડ દરમિયાન મળેલા સોનાના સિક્કા પરત લેવા નોંધાઈ પોલીસ ફરિયાદ બીલીમોરાઃ વર્ષોથી લંડન સ્થાયી થયેલા હવાબેન ઈમ્તિયાઝ બલિયાએ 2009માં પોતાના પતિના મોટાભાઈ પાસેથી બીલીમોરા ખાતે વર્ષો જૂનું મકાન વેચાણથી લીધું હતું. આ જર્જરીત મકાનને તોડીને સમારકામ કરવા માટે કોન્ટ્રાક્ટર સરફરાજ હાજી કોરડીયાનેને આપવામાં આવ્યું હતું. તોડફોડ દરમિયાન મકાનમાંથી સોનાના સિક્કા મળ્યા હતા. કોન્ટ્રાક્ટર અને મજૂરોએ સોનાના સિક્કાની જાણ ઘર માલિકને કર્યા વિના સગેવગે કરી દીધા હતા.
મધ્ય પ્રદેશ પોલીસે કરી જાણઃ જર્જરીત મકાનના તોડફોડ માટે આવેલ મજૂરો મધ્ય પ્રદેશના વતની હતા. તેઓ સિક્કા લઈને મધ્ય પ્રદેશમાં ગેરકાયદેસર રીતે વેચતા સ્થાનિક પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. મધ્ય પ્રદેશે વધુ તપાસ હાથ ધરતા બીલીમોરાના મકાન માલિક કે જેઓ લંડનમાં રહેતા હતા તેમની માહિતી મળી હતી. મધ્ય પ્રદેશ પોલીસે લંડન સ્થિત મકાન માલિકનો સંપર્ક કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
પોલીસ ફરિયાદઃ મકાન માલિક સત્વરે ભારત પોતાના વતન આવ્યા. બીલીમોરા સ્થિત મકાનની તોડફોડનો કોન્ટ્રાક્ટ લેનારા સરફરાઝનો સંપર્ક કર્યો. કોન્ટ્રાકટરે સોનાના સિક્કા બાબતે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં અને ગલ્લા તલ્લા કર્યા હતા. તેથી ઘર માલિક હવાબેન બલિયાએ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં સોનાના સિક્કા પરત મેળવવા માટે ફરિયાદ દાખલ કરી છે. બીલીમોરા પોલીસે ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
મેં બીલીમોરા ખાતે આવેલું અમારું વર્ષો જૂનું જર્જરીત મકાન શરતોને આધીન તોડવા માટે સરફરાજ હાજી કોરડીયાને આપ્યું હતું. આ ઘર તોડતા તેમાંથી સોનાના સિક્કા મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ મને મધ્ય પ્રદેશ પોલીસે કરી હતી. જેથી કોન્ટ્રાક્ટર સરફરાજ હાજી કોરાડિયાનો સંપર્ક કરતા તેમણે સોનાના સિક્કા અંગે કોઈ યોગ્ય જવાબ આપ્યો હતો. આ બાબતે મેં બીલીમોરા ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે...હવાબેન ઈમ્તિયાઝભાઈ બલિયા(મકાન માલિક, બીલીમોરા)
લંડન રહેતા હવાબેન ઇમ્તિયાઝ બલિયાએ બીલીમોરા ખાતે પોતાનું જર્જરીત મકાન ઉતારવા માટે કોન્ટ્રાક્ટરને કામ સોપ્યું હતું. જેમાંથી સોનાના સિક્કા મળી આવતા મૂળ માલિક દ્વારા કોન્ટ્રાક્ટરનો સંપર્ક કર્યો હતો. સિક્કા બાબતે પૂછતા યોગ્ય જવાબ ન મળતા મૂળ માલિકે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં પાંચ આરોપી વિરોધી ફરિયાદ નોંધાવી છે. હાલમાં ગુનાની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે...એન.પી. ગોહિલ(નાયબ પોલીસ અધિક્ષક, નવસારી)
- ખેતરમાં ખોદકામ દરમિયાન 18 પ્રાચીન સોનાના સિક્કા મળ્યા
- નકલી સોનાના સિક્કા આપીને 30 લાખ રૂપિયા પડાવી લીધા