- નવસારી શાકભાજી માર્કેટ બંધ થતાં APMCમાં રિટેલ વેચાણ વધ્યું હતું
- APMCમાં સવારે શાક લેવા લોકોની ભીડને જોતાં લેવાયો નિર્ણય
- APMC મેનેજમેન્ટે વેપારીઓને પત્ર લખી જાણ કરી
- ભીડને કાબૂમાં કરવામાં 13 કર્મચારીઓનો સ્ટાફ અપૂરતો
નવસારી : નવસારી જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને કારણે નવસારી-વિજલપોરમાં આંશિક લોકડાઉન પૂર્વે જ પાલિકા દ્વારા શહેરની મુખ્ય શાકભાજી માર્કેટમાં થતી ભીડને જોતાં માર્કેટને સંપૂર્ણ બંધ કરી, શાકભાજી વેચનારાઓને શહેરમાં ફરીને વેચવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ માર્કેટ બંધ થતાં નવસારી APMC માં સવારમાં શાકભાજી લેવા માટે લોકોની ભીડ વધવા માંડી છે. નવસારી APMCમાં લોકો શાકભાજી લેવા આવતા હોલસેલ કરતાં વેપારીઓ પણ રિટેલ ધંધો કરી લેવા માંડયાં હતાં. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હતું અને વેપારીઓ પણ માસ્ક વગર જોવા મળતાં હતાં. જેથી લોકોની ભીડને લઇને કોરોના સંક્રમણ વધવાની સંભાવનાને જોતાં APMC મેનેજમેન્ટ દ્વારા 15 અને 16 મે, બે દિવસ માટે APMC ને સંપૂર્ણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જે અંગે શાકભાજી અને કેરીના વેપારીઓને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. જોકે બે દિવસો દરમિયાન APMC માં ભીડ ન થાય એના માટેની વ્યવસ્થા ગોઠવ્યા બાદ ફરી APMC રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે એવી માહિતી મળી છે.
આ પણ વાંચોઃ નવસારીમાં કોરોના રિકવરી રેટમાં વધારો, બે દિવસથી કોરોનાને મ્હાત આપતા દર્દીઓની સંખ્યામાં વધારો