નવસારી : ગણદેવા ગામે ફાર્મ હાઉસમાં ઊંચી બ્રાન્ડની દારૂની લેટ નાઈટ પાર્ટીમાં પોલીસે રંગમાં ભંગ પાડ્યો છે. પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા કુલ છ નબીરાઓની ધરપકડ કરી છે. પોલીસને સ્થળે પરથી મોંઘી દારૂની બાટલીઓ, બિયરના ટીન, દારૂ, ત્રણ લક્ઝરી કાર અને સાઉન્ડ સિસ્ટમ મળી 22.80 લાખનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે.
શું હતો સમગ્ર મામલો : ગુજરાતમાં સર્વત્ર દારુબંધી અમલમાં છે, ત્યારે દમણની નજીક આવેલા નવસારી જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા અવારનવાર મોટી માત્રામાં દારૂ ઝડપી પાડવામાં આવે છે. તેમ છતાં દારૂ પીનારાઓ કાયદાની પરવા કર્યા વગર બેફામ દારૂ પી રહ્યા છે. એવા જ એક બનાવમાં ગણદેવી તાલુકાના ગણદેવા ગામે આવેલા એક ફાર્મ હાઉસમાં મહેફિલ માણતા સુરતના છ નબીરાઓને ઝડપી પાડ્યા છે. ગણદેવી પોલીસે બાતમીને આધારે ઝડપી પાડી ફાર્મ હાઉસમાં ચાલી રહેલી મહેફિલમાંથી ઊંચી બ્રાન્ડના દારૂ સાથે 43,300નો દારૂ અને 20 લાખ રૂપિયાની કિંમતની ત્રણ લક્ઝરી કાર અને સાઉન્ડ સિસ્ટમ મળી 22 લાખ 80 હજારનો કુલ મુદ્દામાલ કબજે કર્યો છે.
ગણદેવાના હટવાળા ફળિયાના ફાર્મ હાઉસમાં રાત્રિ દરમિયાન પાંચથી છ શખ્સો દારૂની મહેફિલ માણતા હતો. મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડી ડાન્સ કરતા હોય એવી માહિતી મળતા ગણદેવી પોલીસ છાપો માર્યો હતો. જેમાં છ શખ્સો સહિત મોંઘી બ્રાન્ડનો દારૂ, લક્ઝરી કાર અને મ્યુઝિક સિસ્ટમ કબજે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. - એસ.કે. રાય (નાયબ પોલીસ અધિક્ષક)