- નવસારી કૃષિ યુનિવર્સિટીએ બનાવ્યા નૂડલ્સ અને પાસ્તા
- મેંદાના બદલે ઉપયોગમાં લેવામાં આવ્યો ઘઉંનો લોટ
- પાસ્તા અને નૂડલ્સનું વેચાણ પણ શરૂ
- પાસ્તા અને નૂડલ્સમાં આયુર્વેદિક ગુણઘર્મો ઉપલબ્ધ
નવસારી: કોરોના કાળમાં આયુર્વેદ ઉપર લોકોનો ભરોસો વધ્યો છે. ખાસ કરીને લોકો આરોગ્યવર્ધક ખોરાક તરફ વળ્યા છે, ત્યારે બાળકોમાં પ્રિય એવા નૂડલ્સ અને પાસ્તા પણ હવે પોષણયુક્ત બન્યા છે. નવસારી કૃષિ યુનિવર્સિટીના પોસ્ટ હાર્વેસ્ટિંગ વિભાગે મેંદાને બદલે ઘઉંના લોટના આયુર્વેદિક ગુણધર્મો ધરાવતા બીટ, હળદર, સરગવાના પાનના રંગોના મિશ્રણ થકી સુપાચ્ય પાસ્તા બનાવ્યા છે. પોસ્ટ હાર્વેસ્ટ વિભાગ દ્વારા નિર્મિત પાસ્તા અને નૂડલ્સને બાળકોના આરોગ્યને ઘ્યાને લઇ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
આયુર્વેદિક ગુણઘર્મો ધરાવતા નૂડલ્સ અને પાસ્તા
કોરોના કાળ શરૂ થયા બાદ લોકો પોતાના સ્વાસ્થયની કાળજી રાખી રહ્યા છે. જેમાં હાઇજેનિક અને આરોગ્યવર્ધક ખોરાક લોકોની પહેલી પસંદ બન્યો છે. ખાસ કરીને બાળકોમાં પ્રિય એવા નૂડલ્સ અને પાસ્તા મેંદાન લોટમાંથી અને આર્ટિફિશિયલ રંગો દ્વારા બનાવવામાં આવે છે. જે પોષણયુક્ત હોતા નથી, ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના પોસ્ટ હાર્વેસ્ટિંગ વિભાગની ટીમે આયુર્વેદિક ગુણઘર્મો ધરાવતા નૂડલ્સ અને પાસ્તા બનાવ્યા છે.