નવસારી: કોરોના મહામારીની સામે લોકોને બચાવવા માટે ભારત સરકારે એક પછી એક ત્રણ લોકડાઉન જાહેર કર્યાં છે. જેમાં પ્રથમ અને બીજા લોક ડાઉનના સમયમાં ઠંડા પીણાનાં વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, જો કે, લોકડાઉનના ત્રીજા ચરણમાં પાન-માવા સિવાયની તમામ દુકાનોને ખોલવાની મંજૂરી આપી છે.
નવસારીના ચોવીસીમાં TDOએ 8 દુકાનમાં કરી તપાસ, એક્સપાયરી પ્રોડક્ટ્સનો નાશ - કોરોના વાઇરસ નવસારી
નવસારી જિલ્લામાં ત્રીજા લોકડાઉનના સમયમાં પણ જિલ્લા તંત્રે ઘણી દુકાનોને ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ 40 દિવસોથી બંધ દુકાનોમાં ખાદ્ય પદાર્થ સહીત ઠંડા પીણાઓ પણ એક્સપાયરી ડેટના હોવાની સંભાવનાઓને લઇ તંત્ર દ્વારા દુકાનોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. નવસારીના ચોવીસી ગામે મંગળવારે તાલુકા વિકાસ અધિકારીએ ગ્રામ પંચાયતના અધિકારીઓની ઉપસ્થિતિમાં 8 દુકાનોમાં તપાસ કરી હતી. જેમાંથી 4 દુકાનોમાં એક્સપાયરી ડેટનો સામાન મળી આવતા તેનો અધિકારીની હાજરીમાં જ નાશ કરવામાં આવ્યો હતો. તેમજ દુકાનદારોને ચેતવણી પણ આપવામાં આવી હતી.
લોકડાઉનના 40 દિવસો દરમિયાન બંધ દુકાનોમાં પડેલો માલ એક્સપાયરી ડેટ થયો હોવાની સંભાવના તેમજ દુકાનદારો વધારે ભાવ તો નથી લેતા એ જોવા અધિકારીઓ દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં મંગળવારે નવસારી તાલુકાના ચોવીસી ગામે નવસારી તાલુકા વિકાસ અધિકારી બિપિન પટેલે ગામના સરપંચ ઇલાબેન આહીર, ઉપ સરપંચ ઉમેશ પટેલને સાથે રાખી ખાદ્ય ચીજવસ્તુઓ વેચતી 8 દુકાનોમાં તપાસ કરી હતી. જેમાંથી 4 દુકાનોમાં ઠંડા પીણા અને ચોક્લેટ એક્સપાયરી ડેટવાળી નિકળતા દુકાનદારોનાં હાથેજ એક્સપાયરી ડેટ વસ્તુઓનો નાશ કરાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ દુકાનદારને ફક્ત ચેતવણી આપી છોડી દેવામાં આવ્યા હતાં, પરંતુ ફરી જો એક્સ્પાયારી ડેટ વાળો સામાન મળે, તો દુકાનદાર સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી.