- મહારાષ્ટ્રની સરહદ હોવાથી આવન-જાવનમાં કોરોના સંક્રમણ વધ્યું હોવાનું અનુમાન
- કોરોના પોઝિટિવ દર્દીઓના આંક સાથે મોતનો આંકડો પણ વધ્યો
- મહારાષ્ટ્ર-ગુજરાત સરહદની ચેકપોસ્ટ પર પોલીસનો 24 કલાક પહેરો
કુદરતના ખોળે વસેલા વાંસદાના સરહદી ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું
નવસારી: કુદરતના ખોળે વસેલા વાંસદા તાલુકાના સરહદી ગામોમાં કોરોના સંક્રમણ વધતા આદિવાસી ગ્રામીણોની ચિંતા વધી છે. કોરોના સંક્રમણ સાથે મોતનો આંકડો પણ આ ગામડાઓમાં વધી રહ્યો છે. રોજના 3થી 4 મોત થતાં ચિંતિત બનેલા સ્થાનિકો માનકુનિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સુવિધા સાથે કોરોના ટેસ્ટીંગ વધારવામાં આવે અને પ્રાથમિક ધોરણે અપાતી દવાઓનો પૂરતો જથ્થો મળે એવી માંગણી કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ ખેરગામના ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું, આઇસોલેશન સેન્ટરની ઉભી થઈ તાતી જરૂરિયાત
પહાડી વિસ્તાર અને છૂટા છવાયા ઘર હોવા છતાંસંક્રમણ વધ્યું
નવસારી જિલ્લાનો વાંસદા તાલુકો મહારાષ્ટ્રની સરહદ સાથે જોડાયેલો છે. અહીં નિરપણ, ચોરવણી, માનકુનિયા, રાયબોર, વાંગણ, ખાટાઆંબા 6 ગામો સરહદી ગામો તરીકે ઓળખાય છે. કુદરતના ખોળે વસેલા આ ગામડાઓમાં પહાડી વિસ્તાર અને ઘરો તથા ફળિયા છૂટા છવાયા હોય છે, પરંતુ એપ્રિલ મહિનામાં કોરોના સંક્રમણ ફળિયે-ફળિયે પહોંચ્યું છે. આદિવાસી વિસ્તાર હોવાથી અહીં જાગૃતતાનો પણ અભાવ છે. જેથી કોરોનાના પ્રારંભિક લક્ષણોમાં દર્દી ભગત કે પછી સામાન્ય દવા લઇને સારવાર કરે છે, પરંતુ 2થી 3 દિવસોમાં જ કોરોના દર્દીને પોતાની ચપેટમાં લઈ લે છે અને ઓક્સિજન લેવલ ઘટી જતાં તાત્કાલિક 22 કિલોમીટર દૂર કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે જવું પડે છે. મહત્વની વાત કોટેજ હોસ્પિટલમાં ઓક્સિજન અને વેન્ટિલેટરની પૂરતી સુવિધાના અભાવે તેમણે નવસારી, વલસાડ કે સુરત સિવિલ હોસ્પિટલ પર આધાર રાખવો પડે છે. ઘણા આદિવાસીઓની આર્થિક સ્થિતિ નબળી હોવાથી હોસ્પિટલ સુધી પણ પહોંચી શકતા નથી. જેને કારણે તેમણે જીવ ગુમાવવો પડે છે.
કુદરતના ખોળે વસેલા વાંસદાના સરહદી ગામડાઓમાં કોરોના સંક્રમણ વધ્યું સરહદી ગામડાઓમાં 15,000થી વધુની વસ્તી, હોસ્પિટલ પહોંચવા એમ્બ્યુલન્સની માગ
વાંસદાના સરહદી 6 ગામડાઓની કુલ 15 હજારથી વધુની વસ્તી વચ્ચે માનકુનિયા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ કાર્યરત છે, પરંતુ PHCમાં સ્ટાફ ઓછો છે. આ સાથે ટેસ્ટીંગ પણ ઓછું થઈ રહ્યું હોવાનો આક્ષેપ આગેવાનો કરી રહ્યા છે. જેની સાથે જ 10 દિવસથી કોરોનાની પ્રારંભિક દવાઓની કિટમાં પણ મહત્વની દવા ન હોવાનું આગેવાનોના ધ્યાનમાં આવ્યું છે, જ્યારે એમ્બ્યુલન્સ સેવા પણ મળતી નથી. જેના કારણે ખાનગી વાહનોમાં કોરોના દર્દીને હજારો રૂપિયા ખર્ચીને લઈ જવા પડે છે. માનકુનિયાથી નવસારી સિવિલ સુધીના સાત હજાર અને સુરત શહેર સુધી 10 હજાર રૂપિયા ભાડું થાય છે. જે ગરીબ આદિવાસી ભોગવી શકે એમ નથી. તેમાં પણ ખાનગી વાહનચાલકો કોરોના દર્દીને લઈ જવામાં આનાકાની કરતા હોય છે. જેથી આ વિસ્તારના આદિવાસીઓ માટે એમ્બ્યુલન્સ સેવા ઉભી કરવામાં આવે એવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.
લગ્ન પ્રસંગોમાં મહારાષ્ટ્રથી આવન-જાવન વધતા કોરોના સંક્રમણ વધ્યું હોવાનું અનુમાન
વાંસદાના સરહદી ગામોમાં નિરપણ ખાતે મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ આવી છે. સરહદની બન્ને તરફ આદિવાસી સમાજની વસ્તી છે અને જાતિ પણ એક જ હોવાથી લગ્ન વ્યવહાર પણ ચાલતો હોય છે. ગત ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લગ્ન પ્રસંગોમાં મહારાષ્ટ્રના સરહદી ગામોમાંથી ગુજરાતના સરહદી ગામોમાં આવન-જાવન થયું હતું. ત્યારબાદ કોરોના સંક્રમણ વધ્યું હોવાનું અનુમાન પણ સ્થાનિકો લગાવી રહ્યા છે. જોકે, નવસારીમાં કોરોના સંક્રમણ વધતા નિરપણ ચેકપોસ્ટ પર 24 કલાક પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે અને મહારાષ્ટ્ર તથા ગુજરાતમાં થતી આવન-જાવન પર રોક લગાવી દેવામાં આવી છે.
કોરોના સંક્રમણ ઘટાડવા ગામડાઓમાં જનજાગૃતિ જરૂરી
વાંસદાના સરહદી ગામોમાં કોરોના સંક્રમણ વધવા પાછળ કોરોનાની બીમારી પ્રત્યેની જાગૃતિનો અભાવ પણ માનવામાં આવી રહ્યો છે. ખાસ કરીને શરદી, ખાંસી, તાવ આવે તો આદિવાસીઓ ગામડામાં આયુર્વેદિક ઉપચાર કરતા ભગતો પાસે પહોંચી જાય છે. આ સાથે સામાન્ય દવા લઇને સારવાર કરે છે, જ્યારે આદિવાસીઓની શારીરિક પ્રકૃતિ પણ મજબૂત હોવાથી ઓક્સિજન લેવલ 80-85 સુધી પહોંચે, તો પણ તેમને ખ્યાલ આવતો નથી. ઓક્સિજનની માત્રા વધુ ઘટે ત્યારે સ્થિતિ કાબૂ બહાર જતી હોય છે. ઘણા લોકો કોરોના વેક્સિન લીધા બાદ માંદા પડ્યા અને ત્યારબાદ કોરોના થયો હોવાની ભીતિ પણ ગ્રામજનોમાં જોવાઇ રહી છે. જેથી આદિવાસી બાહુલ્ય આ વિસ્તારમાં લોકોને જાગૃત કરવા આરોગ્ય વિભાગ કે તંત્ર દ્વારા જનજાગૃતિ અભિયાન છેડાય એવી માગ સ્થાનિક આગેવાનો કરી રહ્યા છે.