- શહેરના લુન્સીકુઈ મેદાનની કંપાઉન્ડ વોલ પર 30 ચિત્રકારોએ દોર્યા ભીતચિત્રો
- ભીતચિત્રો થકી સ્વચ્છતા, કોરોના, ભૃણહત્યા સામાજિક મુદ્દાઓ પર જાગરૂકતા ફેલાવવાનો પ્રયાસ
- સ્વચ્છતા સર્વેક્ષણમાં પાલિકાને ફરી અવ્વલ બનાવવા જનજાગૃતિ અભિયાન
નવસારી: નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા ગુજરાતના ચિત્ર શિક્ષક મહામંડળના સહયોગથી નવસારીના લુન્સીકુઈ મેદાનની કંપાઉન્ડ વોલ ઉપર આજે રવિવારે ભીતચિત્ર સ્પર્ધા યોજી હતી. જેમાં મુખ્યત્વે શહેરીજનોને સ્વચ્છતા સંદેશ થકી જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. જેની સાથે જ કોરોના સામે જાગૃતિ, બેટી બચાવો બેટી પઢાવો, ભૃણહત્યા જેવા સામાજિક મુદ્દાઓને પણ આવરી લઇ સુંદર ભીતચિત્રો તૈયાર કરાયાં હતા. જ્યાં સુરતના ચિત્રકારે 'માં તુ પણ ક્યારેક દીકરી હતી'ના સંદેશ સાથે ભૃણહત્યા પર બનાવેલું ચિત્ર આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.
ચિત્રકારોને પ્રમાણપત્ર આપી કરાયા સન્માનિત
ભીતચિત્ર સ્પર્ધામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળી 30 પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો અને 20થી વધુ ચિત્રો દોર્યા હતા. જેમાંથી પ્રથમ આવનારને પાલિકા દ્વારા પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. આ સાથે જ તમામ પ્રતિયોગીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.