ગુજરાત

gujarat

નવસારીમાં વરસાદ ખેંચાતા ડાંગરની રોપણી પર અસર, ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

By

Published : Jun 27, 2020, 7:48 PM IST

નવસારીમાં ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાયો છે. જેથી ખેડૂતો પાકને લઇને ચિંતિત બન્યા છે. જે ખેડૂતો પાસે બોરમાં પાણી છે, તે ખેડૂતોને ડીઝલની કિંમતમાં થતા વધારાએ મુશ્કેલીમાં નાખ્યા છે.

ETV BHARAT
નવસારીમાં વરસાદ ખેંચાતા ડાંગરની રોપણી પર અસર

નવસારી: જિલ્લામાં નિસર્ગ વાવાઝોડાને કારણે મેઘરાજાએ સમયસર પગલાં પાડયા હતા. જેના કારણે ડાંગર રોપતા ખેડૂતોએ હોંશે-હોંશે ડાંગરની ધરૂ વાવી હતી, પરંતુ વરસાદે હાથતાળી આપતાં ખેડૂતો ચિંતિત બન્યા છે. આ સાથે જ ડીઝલમાં વધેલા ભાવોને કારણે પણ ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ બની છે.

નવસારીમાં વરસાદ ખેંચાતા ડાંગરની રોપણી પર અસર

નવસારી જિલ્લામાં વર્ષમાં 2 વાર ડાંગરની ખેતી થાય છે, ઉનાળુ અને ચોમાસુ ડાંગર. જેમાં ચોમાસુ ડાંગર વરસાદ આધારિત હોવાથી જિલ્લામાં સૌથી વધુ ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. ગત વર્ષે 53047 હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ નિસર્ગ વાવાઝોડાની અસર વચ્ચે વરસાદ સમયસર શરૂ થતાં ડાંગર પકવતા ખેડૂતોએ ડાંગર રોપણીની તૈયારી કરી હતી.

ડાંગરની રોપણી

ખેડૂતોએ ડાંગરની વાવણી કરી લીધા બાદ વરસાદે હાથતાળી આપી છે, ત્યારે ડેમમાં પાણી હોવા છતાં નહેરનું રોટેશન નહીં હોવાથી પાણી અપાતું નથી. જેના કારણે ડાંગરનું ધરૂ સુકાવાની સંભાવના વધી છે. જેથી ખેડૂતો વરસાદની રાહ જોવા સાથે નહેરમાં પાણી આપવામાં આવે એવી માગ પણ કરી રહ્યા છે. જો કે, ઘણા ખેડૂતોએ બોરના પાણીથી રોપણી આરંભી છે, પરંતુ ડીઝલના વધતી કિંમત પણ ખેડૂતોના ખર્ચામાં વધારો કરે છે. જેથી સરકાર ડીઝલ પર સબસીડી આપે, તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.

ભારત સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો સાથે ખેડૂતોને આધુનિક યંત્રોનો ખેતીમાં ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરી રહી છે. બીજી તરફ ખેતીમાં મજૂરો નહીં મળવાથી ખેડૂતો યાંત્રિકી ખેતી અપનાવી રહ્યા છે. આવામાં દિવસેને દિવસે ડીઝલના ભાવોમાં થતો વધારો ખેડૂતોને રડાવી રહ્યો છે. એક તરફ ખેડૂતો મજૂરીમાં થતો ખર્ચો બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ડીઝલમાં વધતી કિંમતે ખેડૂતોને ત્યાં જ લાવીને મૂક્યા છે. જેના કારણે ખેડૂતો માછીમારોની જેમ ડીઝલમાં સબસીડીની માગ કરી રહ્યા છે.

ગત થોડા વર્ષોથી બદલાતું વાતાવરણ ખેડૂતોની ચિંતામાં વધારો કરે છે. વરસાદ ખેંચાવાને કારણે અને ડેમમાં પૂરતું પાણી હોવા છતાં જરૂરી પાણી નહીં મળવાથી ખેડૂતો તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details