નવસારી: ગુજરાતમાં કોરોના ધીરે ધીરે વિકરાળ બની રહ્યો છે. જેમાં એપ્રિલ મહિનાના મધ્યમાં જ કોરોનાના પોઝીટીવ કેસો વધીને 1272 થયા છે. જેમાં નવસારીના નજીકના સુરત જિલ્લામાં પણ કોરોનાના 198 કેસો નોંધાયા છે. જયારે નવસારી જિલ્લો આજ દિન સુધી કોરોનામાં સપડાયો નથી. પરંતુ સુરત જિલ્લામાં આવશ્યક સેવાઓ આપતા બેંક, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC), હોસ્પિટલો તેમજ અન્ય સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલા હજારો કર્મચારીઓ રોજ નવસારીથી કોરોનાના રેડ ઝોન જાહેર થયેલા સુરતમાં અપ ડાઉન કરી રહ્યા છે. જેમાં, મીની બસો, કાર અને બાઈક, મોપેડ પર સુરત જતા ઘણા લોકો સોશ્યલ ડીસ્ટનસિંગ પણ જાળવતા નથી.
કોરોના ડર : સુરત જતા નવસારીના હજારો કર્મચારીઓને રોકવા સાંસદ-ધારાસભ્યોની બેઠક, મુખ્યપ્રધાનને રજૂઆત જે દરમિયાન નવસારીને અડીને આવેલા સુરત જિલ્લાના મહુવા તાલુકાના ગામોમાં 5 કોરોનાના પોઝીટીવ કેસો સામે આવ્યા છે. ત્યારે કોરોના સુરતના માર્ગે નવસારીમાં પ્રવેશે એનો ગભરાટ નવસારીવાસીઓ અનુભવી રહ્યા છે. નવસારીમાંથી ઘણા લોકોએ સોશ્યિલ મીડિયાના માધ્યમથી તંત્ર તેમજ લોક પ્રતિનિધિઓને સુરત જતા કર્મચારીઓને જતા અટકાવવા રજૂઆતો કરી હતી.
સુરત જતા લોકોને અટકાવવાની ઉઠેલી માંગને ધ્યાને રાખી શનિવારે નવસારી જિલ્લામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં પણ સુરત જતા કર્મચારીઓનો મુદ્દો ચર્ચાયો હતો. આ સાથે જ નવસારીના સાંસદ સી.આર પાટીલ સાથે ગુજરાત વિધાનસભાના નાયબ ઉપ મુખ્ય દંડક અને જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ, નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ, જલાલપોરના ધારાસભ્ય નરેશ પટેલ, સહિત જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ. અમિતા પટેલે સુરતના કર્મચારીઓના અપડાઉનના મુદ્દાનાં નિરાકરણ માટે સર્કીટ હાઉસ ખાતે બેઠક કરી હતી. જેમાં સુરત જતા લોકોની સુરતમાં જ રહેવાની વ્યવસ્થા કરવાની રજૂઆત સામે સુરત મહાપાલિકાના કમિશ્નરે અસમર્થતા દર્શાવી હોવાનું સાંસદ પાટીલે જણાવ્યુ હતુ.
જેમાં સાંસદે અપ ડાઉન કરતા લોકોને 3જી મે સુધી રજા આપવામાં આવે એવી રજૂઆત પણ કરી છે. જો કે, સમગ્ર મામલે રાજ્ય સરકાર જ નિર્ણય લઇ શકે એમ હોવાથી રાજ્યના ગૃહપ્રધાન અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ ટેલિફોનીક રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો હતો.