ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારીથી 11મી અને 12મી સદીના સોલંકી યુગના ભગવાન ભોળાનાથના કરો દર્શન - શ્રાવણ

નવસારીઃ શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના કરવાનો અનેરો મહિમા છે. આ મહિનામાં શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ત્યારે વાત કરીએ બીલીમોરામાં આવેલ દક્ષિણ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રા ધામ એવા પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરની. 12મી સદીના સોલંકી યુગથી આ મંદિર લોકોમાં શ્રદ્ધા નું અનેરું મહત્વ ધરાવે છે. આ સોમનાથ મંદિરમાં બિરાજમાન શિવલિંગ સ્વયંભુ છે. ત્યારે ભગવાન ભોળાનાથના દર્શનાર્થે વિદેશથી અને ભારતભર માંથી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.

નવસારીથી 11મી અને 12મી સદીના સોલંકી યુગના ભગવાન ભોળાનાથના કરો દર્શન

By

Published : Aug 11, 2019, 10:03 AM IST

આ શિવલિંગ ના પ્રાગટયનો કડીબદ્ધ ઇતિહાસ પ્રાપ્ત નથી. પણ તેની પાછળ પૌરાણિક ઇતિહાસ સમાયેલો છે. હાલમાં બીલીમોરા ના દેસરમાં જે સ્થળે આ મંદિર છે. સદીઓ પૂર્વે આ વિસ્તાર ઝાડી જંગલનો વિસ્તાર હતો. જેમાં રજપૂતો ની વસ્તી પણ ખુબ વિસ્તરી હતી. એક વાર આ જગ્યા પર ગાયો ચરતી હતી ત્યારે એક ગાય આ ચોક્કસ જગ્યા પર આવી અને તેના આંચળ માંથી આપમેળે દૂધ ની ધારા છુટી દુધ નીચે ઢોળાતું હતું. આ વાત ગોવાળીયાએ રજપૂતણ ને કરી. આ સ્ત્રીએ એક દિવસ આ ગાયનો પીછો કર્યો અને તે જગ્યા સાફ કરી તો ત્યાં ભગવાન મહાદેવ નું શિવલિંગ દેખાયું હતું. તે સ્ત્રી રોજ શિવલિંગના સ્થાને પૂજા કરતી. એક દિવસ પતિને શંકા જતા તેનો પીછો કર્યો અને તેની પત્નીને શંકાના આધારે મારવા તેને તેની તલવાર ઉગામી હતી. ત્યારે ભયભીત થઇને તેણીએ હે શિવજી મને બચાવો ઉદ્દગાર સર્યા હતા. ત્યારે શિવલિંગ અચાનક જમીન માંથી બહાર આવ્યું સ્ત્રી ભગવાન ભોળાનાથના ચરણોમાં સમાઈ ગઇ.આ સમગ્ર ઘટના નજરે જોનાર રજપુતે આ ઘટનાની જાણ ગામમાં કરતા બાદમાં લોકોએ આ શિવલિંગ ની પૂજન અર્ચન કરતા થયા હતા. જે બાદ સમય જતાં પૌરાણિક શિવલિંગનું મહત્વ લોકોના ધ્યાને આવતા મંદિર બાંધી પૂજા કરતાં થયા હતા.

નવસારીથી 11મી અને 12મી સદીના સોલંકી યુગના ભગવાન ભોળાનાથના કરો દર્શન

વર્ષો અગાઉ બીલીમોરા નજીકના ગણદેવી ગામમાં દેસાઈજીનું કુટુંબ રહેતું હતું. જુના રીત રિવાજો મુજબ કોઈ સેવાના બદલામાં આ દેસાઈજી કુટુંબને રાજા તરફથી દેસાઈગીરી ઇનામમાં મળી હતી. આ દેસાઈજી કુટુંબના વડાને ભગવાન મહાદેવ સ્વપ્ન માં આવી આ શિવલિંગની વાત જણાવી હોવાની વાતો કહી હોવાની લોકવાયકા પ્રસરી હતી. જે સ્વપ્ન ઉપરથી પ્રેરણા લઈ આ દેસાઈ જી કુટુંબે આ શિવલિંગનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

આ પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ આ પૌરાણિક શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આખા માસમાં બ્રહ્મમુહૂર્તમાં રણકતા ઘંટારવ અને ૐ નમઃ શિવાયના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠે છે. આ મંદિરમાં વહેલી સવારથી મોડી રાત સુધી લોકો દર્શનનો લાભ લે છે.ત્યારે સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન ભક્તોનું ઘોડાપુર ઉમટે છે.

ABOUT THE AUTHOR

...view details