- સાંસદની રજૂઆતો બાદ શરૂ થઈ મેમુ ટ્રેન પણ રિઝર્વેશનની સમસ્યા
- પ્રથમ દિવસે નવસારીથી ફક્ત એક પ્રવાસીએ કર્યો મેમુંમાં પ્રવાસ
- રિઝર્વેશન જેવી સમસ્યાનું સમાધાન આવે, તો પ્રવાસીઓનો ટ્રાફિક વધવાની સંભાવના
નવસારી: આર્થિક લાઈફ લાઇન સમાન લોકલ ટ્રેનો 11 મહિનાઓથી બંધ હોવાથી સુરત અને વાપીની કંપનીઓમાં રોજગાર અર્થે જતા હજારો રોજિંદા અપડાઉન કરતા પ્રવાસીઓએ આર્થિક ભારણ વેઠવું પડી રહ્યું છે પરંતુ મેમુ લોકલ ટ્રેન શરૂ થતાં રોજ અપડાઉન કરતા લોકો હરખાયા હતા પણ કોરોનાને નામે રિઝર્વેશનનો નિયમ રાખતા રોજિંદા પાસ હોલ્ડરોમાં નારાજગી જોવા મળી રહી છે.
મેમુમાં પ્રથમ દિવસે સુરતથી 2 જ્યારે નવસારીથી ફક્ત 1 પ્રવાસી ચઢ્યો્
પ્રવાસીઓને ધ્યાને લઇ નવસારીના સાંસદ સી. આર. પાટીલે પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરતા સુરત-સંજાણ મેમુ ટ્રેન શરૂ થઈ હતી પરંતુ રોજિંદા અપડાઉન કરતા પ્રવાસીઓની આશા નિરાશામાં ફેરવાઈ હતી. કારણ મેમુમાં પણ કોરોનાની ગાઈડલાઈન અનુસાર રિઝર્વેશનનો નિયમ લાગતા નવસારીથી 10 રૂપિયાની ટિકિટમાં રિઝર્વેશન ચાર્જ લાગતા એક તરફના 35 રૂપિયાથી વધુ ખર્ચવા પડશે, જેને લઈને પ્રવાસીઓમાં રોષ જોવા મળ્યો છે.
રોજના 50 હજાર પ્રવાસીઓની આવન-જાવન સામે આજે એક જ પ્રવાસી મળ્યો
પશ્ચિમ રેલવે દ્વારા શરૂ કરાયેલી મેમુ લોકલ ટ્રેનમાં રિઝર્વેશન કરાવવાનું હોવાથી ટ્રેન ખાલી રહી હતી. જ્યાં રોજના નવસારીથી અંદાજે 50 હજારથી વધુ પ્રવાસીઓ અપડાઉન કરતા હોય છે, ત્યાં પ્રથમ દિવસે નવસારીથી ફક્ત એક જ પ્રવાસીએ મેમુમાં સફર કરી હતી. જ્યારે સુરતથી બે યુવતીઓ નવસારી આવી હતી. જેથી આવનારા દિવસોમાં રિઝર્વેશનમાંથી રોજિંદા પ્રવાસીઓને મુક્તિ મળે, તો એમની આર્થિક સમસ્યાનું સમાધાન આવે અને લોકલ ટ્રેનોના પૈડા ગતિ પકડે, તો મધ્યમ વર્ગની ગાડી પણ પાટે ચઢે એમ છે.