નવસારી : વિશ્વમાં કોરોના વાઈરસે હાહાકાર મચાવ્યો છે. જો કે, ભારતમાં કોરોનાની સ્થિતિ વણસે નહી, એ માટે ભારત સરકારે 21 દિવસ સુધી લોકડાઉનનો આદેશ આપ્યો છે. જેથી કરીને કોરોનાને ત્રીજા સ્ટેજમાં જતા અટકાવી શકાય. જો કે, સરકારની વારંવારની અપીલ બાદ પણ ઘણા લોકો લૉકડાઉનનું ચુસ્તતાથી પાલન નથી કરી રહ્યા. જેનું ઉદાહરણ દિલ્હીના નિઝામુદ્દીનનાં તબલીગી મરકજમાં હજારોની સંખ્યામાં રોકાયેલી જમાતના માણસો જે દેશના વિવિધ રાજ્યોમાં પહોંચ્યા હતા.
તબલીગી મરકજમાંથી પરત ફરેલા 7 જમાતીઓ આઇસોલેશન વોર્ડમાં દાખલ - નવસારી કોરોના ન્યૂઝ
કોરોનાની મહામારીમાં ભારત સરકાર દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીના નિઝામુદ્દીનની તબલીગી મરકજમાં સરકારના આદેશ બાદ પણ તેની અવગણના કરવાને કારણે કોરોનાની સ્થિતિ દેશમાં વકરી છે. જેમાં નવસારી જિલ્લામાંથી પણ ૧૬ની નિઝામુદ્દીનની ટ્રાવેલ હિસ્ટ્રી જણાઈ હતી. જો કે, તેમાંથી ૭ લોકો તબલીગી મરક્ઝમાંથી પરત ફર્યા હોવાથી તમામને નવસારી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા છે. સાથે જ તેમના સેમ્પલ ચકાસણી અર્થે મોકલાયા છે, જેનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે.
દિલ્હીમાં મરકજમાંથી કોરોનાના લક્ષણો સાથેના જમાતીઓ જણાતા કેન્દ્ર અને રાજ્ય સરકારો એક્શનમાં આવી છે. જેમાં મરકજમાંથી ઘણા લોકોમાં કોરોના પૉઝિટિવ આવતા સરકાર ચિંતિત બની છે. ત્યારે દિલ્હીનાં નિઝામુદ્દીનની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નવસારીના ૧૬ લોકોની યાદી સામે આવી હતી.તમામને હોમ કોરોન્ટાઇન કરાયા હોવાની માહિતી આપી હતી. દરમિયાન શનિવારે રાજ્યના ડીજીપી દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીના નિઝામુદ્દીનની તબલીગી મરકજમાંથી પરત ફરેલામાં નવસારી જિલ્લાના 7 લોકો હોવાની માહિતી આપી હતી. બીજી તરફ નવસારી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતુ, જેમાં 4 જલાલપોર તાલુકાના અને 3 ચીખલી તાલુકાના હોવાનું પણ જાણવા મળ્યું હતું. વિભાગે મરકજમાંથી પરત ફરેલા સાતેને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી કોરોન્ટાઇન કરાયા છે. જેમના બલ્ડ સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલાયા છે, જેના રીપોર્ટ હજી આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં 33 કોરોનાના શંકાસ્પદ કેસો જણાયા હતા. જેમાંથી 25 શંકાસ્પદોના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જયારે 8 લોકોનાં રીપોર્ટ હજુ આવ્યા નથી. જયારે આઇસોલેશન વોર્ડમાં મરકજમાંથી આવેલા 7 સહિત અન્ય બે લોકો હજુ સારવાર હેઠળ છે. જયારે ૩૩ શંકાસ્પદોમાંથી 24 લોકોને ડિસ્ચાર્જ કરવમાં આવ્યા છે.