નવસારી : જિલ્લાના જલાલપુર તાલુકાના નાનકડા સીમલક ગામના મૂળ નિવાસી અને વર્ષોથી યુકેમાં સ્થાયી થયેલા સુલેમાન ઉર્ફે સોલી સઈદ આદમને ક્રિકેટ પ્રત્યે ઘણો જ લગાવ રહ્યો છે અને પોતે પણ સારા ક્રિકેટર રહી ચૂક્યા છે. ક્રિકેટના અનહદ પ્રેમના કારણે તેઓ વર્ષોથી વિશ્વના અનેક ક્રિકેટરોના સંપર્કમાં રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને ક્રિકેટ જગતના મહાન ખેલાડી સુનિલ ગાવસ્કર તેઓના ખાસ મિત્ર છે. જેથી સુનિલ ગાવસ્કરે પણ મિત્રને આપેલા વાયદાને પૂરો કરવા માટે નવસારીના નાનકડા સીમલક ગામે આવ્યા હતા અને વાયદા પ્રમાણે મિત્ર સોલી આદમના નવા નિર્માણ પામેલા ઘરની રીબીન કાપીને સુનિલ ગાવસકરે તેમના પરિવારને ગૃહ પ્રવેશ કરાવી પોતાનો વાયદો નિભાવ્યો હતો.
મકાનના વાસ્તુમાં પહોચ્યા હતા : ગાવસ્કર સાથેની સોલી આદમની મિત્રતા 52 વર્ષે પણ અકબંધ છે. હાલમાં સોલીએ સીમલક ગામનું તેમનું પૈતૃક મકાન તોડીને નવું બનાવડાવ્યું છે. જેમાં ગૃહ પ્રવેશ કરતા પહેલા તેમણે ભારતના મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરને આમંત્રણ આપ્યું હતું. પરંતુ વિશ્વ કપ ચાલતો હોવાથી સુનીલ ગાવસ્કર અતિ વ્યસ્ત હોવાને કારણે આવી શક્યા ન હતા. જોકે વિશ્વ કપ બાદ આવવાનું મિત્ર સોલીને વચન આપ્યું હતું. બેંગ્લોરથી સુરત અને ત્યાંથી સીમલક પહોંચતા જ સોલી આદમના નવા ઘરમાં રિબીન કાપીને સુનીલ ગાવસ્કરે મિત્ર સોલી અને તેના પરિવારને ગૃહ પ્રવેશ કરાવ્યો હતો.
મિત્રને આપેલા વચનને પૂર્ણ કરવા લીટલ માસ્ટર સુનિલ ગાવસ્કર નવસારી પહોંચ્યા હતા ગાવસ્કરનું સ્વાગત કરવામાં આવ્યું : ગામમાં સુનીલ ગાવસ્કર આવ્યા હોવાનું જાણવા મળતા જ ગામના આગેવાનોએ એક સન્માન સમારોહ કાર્યક્રમ યોજ્યો હતો. ગાવસ્કરને ઉત્સાહ સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યાં ગામના લોકો વચ્ચે સુનીલ ગાવસ્કરે તેમને ગુજરાતી આવડતી હોવાની વાત કરી તેમનો ભાષાપ્રેમ વ્યક્ત કર્યો હતો. જ્યારે એક રાત્રીનું રોકાણ કરી સવારે ગાવસ્કરે ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો હતો. જેમાં કઢી - ખીચડી, રીંગણ બટાકાનું શાક, રોટલી, રાયતુ અને મીઠા ભાતનું સાદુ ભોજન જમ્યા હતા અને ત્યારબાદ મુંબઈ માટે રવાના થયા હતા. પરંતુ તે પૂર્વે તેમના ક્રિકેટ ચાહકોને નાની મુલાકાત આપી હતી, જેમાં નાના બાળકોએ તેમના બેટ ઉપર સુનીલ ગાવસ્કરનો ઓટોગ્રાફ મેળવી જીવન ભરની યાદો બનાવી હતી.
જાણો કોણ છે સોલી આદમ : સોલી આદમનો સ્વભાવ પણ ખૂબ પ્રેમાળ ભર્યો છે તેથી ઘણા ભારતીય ક્રિકેટરો તેઓના ઘરે રોકાણ પણ કરી ચૂક્યા છે. સોલીને ત્યાં સચીન તેંડુલકર તેમના ક્રિકેટ કેરિયરના શરૂઆતી વર્ષોમાં 4 મહિના રહ્યા હતા. જ્યાં ઇંગ્લેન્ડના યોકશાયર ક્લબમાં વિદેશી ક્રિકેટરોને એન્ટ્રી ન હતી, ત્યાં સોલીના પ્રયાસોથી પ્રથમ વખત સચિન તેંડુલકરને ક્રિકેટ રમવા માટે સાઈન કરવામાં આવ્યો હતો. ભારતીય ક્રિકેટના કપીલ દેવ, સુનીલ ગાવસ્કર, બ્રિજેશ પટેલ, સ્વ. બિશંસિંગ બેદી, અશોક માકંડ, વીવીએસ લક્ષ્મણ, વિનોદ કાંબલી તેમજ પાકિસ્તાન અને વિશ્વના અન્ય દેશોના અનેક નામી ક્રિકેટરો સોલી આદમના ઘરે રહી ચૂક્યા છે અને તેમના પત્ની મરિયમ આદમના હાથની રસોઈની લિજ્જત પણ માણી છે.
- ક્રિકેટર મુકેશ કુમાર આજે લગ્નના બંધનમાં બંધાશે, ક્રિકેટરો અને સેલિબ્રિટીઓ પહોંચી શકે છે
- સુનીલ ગાવસ્કરે 'સચિન' રેલ્વે સ્ટેશનનો ફોટો શેર કર્યો, જાણો લિટલ માસ્ટરે શું કહ્યું..