નવસારીમાં છેલ્લા 16 દિવસોમાં કોરોનાના 550 પોઝિટિવ કેસ નોંધાયા - Health department
નવસારીમાં કાળઝાળ ગરમી સાથે શરૂ થયેલો એપ્રિલ કોરોનાનો રહ્યો છે. કારણ કે, એપ્રિલના 16 દિવસોમાં જિલ્લામાં કુલ 550 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આજે સતત બીજા દિવસે 77 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેની સાથે જ જિલ્લામાં એક્ટિવ કેસોની સંખ્યા 437 પર પહોંચી છે. બીજી તરફ જિલ્લામાં કુલ 188 લોકો સાજા થયા છે. જ્યારે આરોગ્ય વિભાગના ચોપડે કોરોનાને કારણે આજે વધુ એક મોત નોંધાયું છે. જિલ્લામાં કુલ 104 લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યો છે.
નવસારીમાં કોરોનાના કેસ
By
Published : Apr 17, 2021, 10:28 AM IST
|
Updated : Apr 17, 2021, 2:08 PM IST
નવસારીમાં ગઇકાલે નવા 77 લોકો થયા કોરોના સંક્રમિત
જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા 188 દર્દીઓ થયા સાજા
ગણદેવીના માછીમારનું કોરોનાને કારણે થયું મોત
નવસારી : જિલ્લામાં એપ્રિલ મહિનો કોરોનાનો રહ્યો છે. મહિનાની શરૂઆતથી જ કોરોના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. જેમાં ગત 15 દિવસોમાં જિલ્લામાં કોરોનાના 473 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં આજે સતત બીજા દિવસે 77 કોરોના પોઝિટિવ કેસો સામે આવતા નવસારીના લોકોમાં ચિંતા વધી છે. જોકે, તેની સામે એપ્રિલના 16 દિવસોમાં કુલ 188 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે.
જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 104 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા
જિલ્લામાં કુલ 437 એક્ટિવ કોરોના દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. સાથે જ સતત બીજા દિવસે આરોગ્ય વિભાગના ચોપડે ગણદેવીના 42 વર્ષીય માછીમારનું કોરોનાને કારણે મોત થયું છે. જેથી જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 104 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા હોવાના અધિકારીક આંકડો થયો છે. જોકે, તેની સામે કોરોનાથી એપ્રિલ મહિનામાં નવસારીના વિરાવળ સ્મશાન ભૂમિમાં કોરોના હેઠળ મોતને ભેટેલા 129 લોકોના મૃતદેહોના અગ્નિ સંસ્કાર કરાયા છે.