નવસારી: કોરોનાને કારણે જાહેર લોકડાઉનના ચોથા ચરણમાં વગર મંજુરીએ આવન-જાવનની રાજ્ય સરકારે છૂટ આપતા જ વિદેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોએ ખેપ મારવાનું શરૂ કર્યુ છે. જોકે હાઇવે પર જિલ્લાની સરહદો પર ચુસ્ત બંદોબસ્ત હોવાથી ખેપીયાઓ દારૂ સાથે પકડાય ન જાય, એટલે તિકડમ લગાવવા સાથે જ આંતરિક માર્ગોથી પસાર થઇ રહ્યા છે.
નવસારીમાં પ્લાસ્ટિકની કોથળીમાં વિદેશી દારૂ ભરી કારમાં હેરાફેરી કરતા 2 ઝડપાયા - navsari police
લોકડાઉનમાં આંતર જિલ્લા અવર-જવરની મંજુરી મળતા જ બુટલેગરોએ વિદેશી દારૂની ખેપ મારવાની શરૂ કરી છે. જેમાં પોલીસને ગેરમાર્ગે દોરવા વિદેશી દારૂને બોટલોમાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરી તેને કારમાં બનાવેલા ચોરખાનાઓમાં ભરી ખેપ મારતા મહિલા સહિત 2ની નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં કારમાંથી 1.84 લાખ રૂપિયાનો 246 લીટર વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.
નવસારી એલસીબી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે નવસારીના સરપોર પારડી ગામેથી વિદેશી દારૂ ભરેલી કારને અટકાવી હતી. તપાસ કરતા કારના બંને દરવાજામાં, ફ્રન્ટ અને રેઅર સિગ્નલ લાઈટ, કારના પાછળના ડેસ્કબોર્ડ, સીએનજી બોટલ સહિતના ચોરખાનાઓમાંથી પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલો 1.84 લાખ રૂપિયાનો 246 લીટર વિદેશી દારૂ શોધી કાઢ્યો હતો. પોલીસને ભરમાવવા માટે ખેપીયાઓએ વિદેશી દારૂની બોતાલોમાંથી વિદેશી દારૂ પ્લાસ્ટિકની કોથળીમાં ભર્યો હતો, પણ પોલીસના હાથે ઝડપાય ગયા હતા.
પોલીસે ઘટના સ્થળેથી સુરતના ભેસ્તાન ખાતે રહેતા અમિત શિરસાટ અને ઉધના ખાતે રહેતી શીતલ સેંદાણેની ધરપકડ કરી હતી. જયારે વિદેશી દારૂ, કાર અને મોબાઈલ ફોન મળી કુલ 2.85 લાખનો મુદ્દામાલ કબજે કરી સુરતના બુટલેગરો અનીલ રાણા, પંકજ રાણા અને દારૂ ભરાવનાર મળી 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.