નવસારી: અરબ સાગરમાં ઉઠેલા નિસર્ગ વાવાઝોડાની ઘાત દક્ષિણ ગુજરાત પરથી ટળી છે. આ અંતર્ગત નિસર્ગ વાવાઝોડાના કારણે જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તેમજ સાંજના સમયે પવાનોએ ગતિ પકડી હતી. જો કે, વાવાઝોડાની નહિવત અસર રહેવાને કારણે કોઈ જાનહાની થઈ નથી, અને નવસારી જિલ્લા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
અરબી સમુદ્રમાં ઉઠેલા નિસર્ગ વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. ઝડપી પવનો સાથે ભારે વરસાદની આગાહીની અસર પણ નવસીરી જિલ્લામાં નહિવત રહી હતી. બુધવાર બપોરે નિસર્ગ વાવાઝોડું દક્ષિણ ગુજરાતની નજીકના દમણને ઘમરોળે એવી સંભાવના હતી, પણ વાવાઝોડું ઉત્તરી મહારાષ્ટ્રના અલિબાગના દરિયા કાંઠે અથડાયું હતું. વાવાઝોડું દરિયા કાંઠે અથડાયા બાદ પણ નવસારી જિલ્લામાં તેની કોઈ અસર જોવા ન મળતા જિલ્લા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ સુરક્ષાને ધ્યાને રાખીને લોકોને દરિયા કિનારેથી દૂર રાખવામાં આવ્યા હતા.